પંજાબ (Punjab)માં મુલાકાત દરમિયાન PM મોદીના કાફલાને ફ્લાઇઓવર પર 20 મિનિટ સુધી ફસાઇ રહેવુ પડ્યું હતું. જેને એક સુરક્ષાની ગંભીર ચૂક માનવલામાં આવી રહી છે. જેના કારણે PMની રેલી રદ કરવામાં આવી હતી. કેન્દ્રીય ગૃહ મંત્રાલયે આ ઘટના માટે પંજાબ સરકાર પાસેથી રિપોર્ટ પણ માંગ્યો હતો. એગ્રીકલ્ચર એક્ટને રદ કર્યા બાદ PM મોદીની પંજાબમાં આ પહેલી મુલાકાત હતી. આ ઘટના બાદ PMના પ્રવાસ સુરક્ષા વ્યવસ્થા કેવી હોય છે તે જાણવા ઘણા લોકો ઉત્સુક છે, જેથી અહી તે અંગે વિગતો આપવામાં આવી છે. જાણો પ્રવાસ દરમિયાન PM મોદીની સુરક્ષા કેવી (PM Convoy Security)હોય છે.
ગૃહ મંત્રાલય પીએમના પ્રવાસ પહેલાં જે તે રાજ્યને બ્લુ બુકલેટ મોકલે છે, જે મુજબ જ ફુલપ્રુફ તૈયારીઓ કરવામાં આવે છે. PM કોઈપણ જગ્યાએ મુલાકાત કરવાના હોય તે અંગેની માહિતી 15 દિવસ અથવા 1 મહિના અગાઉ સંબંધિત રાજ્ય સરકાર અને તેના ઉચ્ચ અધિકારીઓને મોકલવામાં આવે છે. ત્યારબાદ રાજ્યના ઉચ્ચ અધિકારીઓ, સ્થાનિક પોલીસ અને વહીવટીતંત્રના અધિકારીઓ અને SPG સાથે મળીને તમામ વ્યવસ્થાઓ કરે છે. પીએમ (PM)ના રૂટ અને વૈકલ્પિક રૂટ અગાઉથી સ્થાનિક વહીવટીતંત્ર નક્કી કરે છે, પણ એસપીજી (SPG) અધિકારીઓ ત્યાં પહોંચીને, ચેક કરે ત્યારબાદ જ આ રુટને ફાઇનલ કરવામાં આવે છે.
વડાપ્રધાનની મુલાકાત દરમિયાન રાજ્ય પ્રશાસન અને સ્થાનિક પોલીસ બાહ્ય સુરક્ષા કોર્ડન તરીકે કામ કરે છે. આંતરિક સુરક્ષા સંપૂર્ણપણે સ્પેશિયલ પ્રોટેક્શન ગ્રુપ એટલે કે (SPG) પાસે છે. જો કે, પીએમ જે રૂટ પરથી જવાના હોય તે લગભગ 7 કલાક પહેલા નક્કી કરી લેવામાં આવે છે, આ સાથે સુરક્ષાનું રિહર્સલ પણ કરવામાં આવે છે. PM મોદીની સુરક્ષા માટે રસ્તામાં દર 50-100 મીટરે સ્થાનિક પોલીસ અને અધિકારીઓ તૈનાત રહે છે. તેમની સાથે ગુપ્તચર વિભાગના લોકો હોય છે, જેમનું કામ 1/1 મિનિટની માહિતી કંટ્રોલ રૂમને મોકલતા રહે છે.
PMની સુરક્ષા માટે ક્યારેક 4-5 કલાક પહેલા તેમનો રસ્તો પણ બદલાઈ જાય, કે બદલવો પડે તેવું પણ ક્યારેક બને છે. આ રસ્તો પણ પહેલાં નક્કી કરેલાં રસ્તા પૈકીનો જ એક ઓપ્શન હોય છે. PM મોદીની સુરક્ષા એવી રીતે કરવામાં આવી હોય છે કે, PM મોદી કેટલે પહોંચ્યા તેની માહિતી પણ કંટ્રોલરૂમ સુધી પહોંચતી હોય છે.આ માહિતી કંટ્રોલરૂમ રસ્તામાં તૈનાત પોલીસ અધિકારીઓ અને જવાનો સુધી પહોંચાડે છે. પોલીસ કાફલા સાથે દોડી રહેલી સ્થાનિક પોલીસની પાયલોટ કારને માર્ગનો ઓકે રિપોર્ટ આપતી રહે છે. જોકે, એસપીજી દ્વારા પણ આ માહિતી સતત મળી રહી છે. PMનો કાફલો કોઈપણ રસ્તા પરથી ત્યારે જ આગળ વધે છે, જ્યારે તે ટુરમાં સુરક્ષા વ્યવસ્થા અને અન્ય વ્યવસ્થાઓ DGP સ્તરના પોલીસ અધિકારી દ્વારા ક્લિયર કરવામાં આવે.
વડાપ્રધાનની ડાબી અને જમણી બાજુએ પણ SPG નો સુરક્ષા કવચ રહેતો હોય છે. PM ની સુરક્ષા માટે ચાલી રહેલાં કમાન્ડો અને વાહનો સતત તેમની સાથે ચાલે છે અને સતર્ક રહે છે. PM ની સુરક્ષા માટે કારસેડ એટલે કે વાહનોનો કાફલો પણ અનેક સુરક્ષાઓ સાથે સજ્જ હોય છે. વડાપ્રધાનનો કાફલો અનેક ગાડીઓથી બનેલો હોય છે, જેમાં સૌથી આગળ એડવાન્સ પાયલોટ વોર્નિંગ, ટેકનિકલ કાર, વીવીઆઈપી કાર, જૈમર વ્હીકલ, ત્યારબાદ 2 વીવીઆઈપી કાર અને એમ્બ્યુલન્સ તેમજ અન્ય કારનો પણ સમાવેશ થાય છે. SPG કારસેડમાં રહેલી કારની સંપૂર્ણ તપાસ કરે છે.
PM ના કાફલામાં પહેલી ગાડી પાઇલટ ગાઇડ હોય છે, PM ના કાફલામાં ઓછામાં ઓછી 5 ગાડીઓ હોય છે. એસ્કોર્ટ બીજા નંબર પર હોય છે. તે પછી પીએમની કાર પછી સ્પેર કાર સાથે અન્ય એસ્કોર્ટની ગાડીઓ ચાલતી હોય છે. આ બધા પાછળ સ્થાનિક SSP, DM, SIB અને અન્ય અધિકારીઓના વાહનો PM ની સુરક્ષા માટે ચાલે છે. SPG હંમેશા વડાપ્રધાનને ઘેરામાં રાખે છે.
બ્લુ બુક અનુસાર, વડા પ્રધાનની મુલાકાતના ત્રણ દિવસ પહેલા એસપીજી તમામ સુરક્ષા વ્યવસ્થાઓની સમીક્ષા કરે છે અને ચેક કરે છે તે કેટલી સુરક્ષિત છે. સંબંધિત રાજ્યના પોલીસ, વહીવટ અને ગુપ્તચર વિભાગ સાથે મળી તે સુરક્ષાના નાનામાં નાના પાસાઓને પણ ચેક કરીને ફાઇનલ કરેછે. જેમાં ખાસ કોઇ આપાતકાલીન પરિસ્થિતિઓ સામે લડવા માટે પણ પ્લાન નક્કી હોય છે. 2006માં જ્યારે મનમોહન સિંહ વડાપ્રધાન હતા ત્યારે પણ ત્રિવેન્દ્રમમાં સુરક્ષામાં ખામી જોવા મળી હતી. 25 જાન્યુઆરી 2000ના રોજ PMની મીટિંગ દરમિયાન એસપીજી એજન્ટને ગોળી ચલાવવી પડી હતી.