

નવી દિલ્હીઃ કોરોના કાળ (Coronavirus)માં વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) આજે છઠ્ઠી વાર રાષ્ટ્રને સંબોધિત કરવા જઈ રહ્યા છે. પીએમ મોદીનું દેશના નામે સંબોધન સાંજે 4 વાગ્યાથી થશે. છેલ્લીવાર પીએમ મોદીએ 12 મેના રોજ રાષ્ટ્રને સંબોધિત કર્યું હતું. ત્યારે તેઓએ લૉકડાઉનથી ઉભરી રહેલી અર્થવ્યવસ્થા માટે 20 લાખ કરોડ રૂપિયાના નાણાકીય પેકેજની જાહેરાત કરી હતી. હવે કોરોના વાયરસના 5.66 લાખ કેસ, ભારત-ચનીની વચ્ચે ચાલી રહેલો તણાવ, અનલૉક-2 અને 59 ચીની એપ્સ પર પ્રતિબંધના નિર્ણયની વચ્ચે તેમનું આ સંબોધન થઈ રહ્યું છે. એવામાં વડાપ્રધાન પોતાના સંબોધનમાં અનેક પાસાઓ પર વાત કરી શકે છે.


આજે પોતાના સંબોધનમાં પીએમ નરેન્દ્ર મોદી પાસેથી કેટલીક મોટી જાહેરાતોની આશા રાખવામાં આવી રહી છે. આવો જાણીએ તેઓ આજે શું વાત કરી શકે છે...


PM મોદી રાષ્ટ્રને નામ પોતાના સંબોધનમાં ચીનની સાથે ચાલી રહેલા તણાવ પર વાત કરી શકે છે. રવિવારે મન કી બાત કાર્યક્રમમાં વડાપ્રધાન સ્પષ્ટ કરી ચૂક્યા છે કે ભારત કોઈ પણ ઘૂસણખોરીનો જડબાતોડ જવાબ આપશે. તેના માટે ભારતીય સેનાને તમામ છૂટ આપવામાં આવી છે. એવામાં આશા છે કે પીએમ સરહદ પર ઊભી થયેલી સ્થિતિ અંગે વાત કરશે.


કેન્દ્ર સરકારે સોમવારે જ 59 ચીની એપ્સ પર પ્રતિબંધ મૂકી દીધો છે. તેની પર ચીન તરફથી પણ પ્રતિક્રિયા આવી છે. એવામાં શક્ય છે કે વડાપ્રધાન આ મામલે પણ કંઈક કહેશે. મન કી બાતમાં પણ વડાપ્રધાને કહ્યું હતું કે ભારત માતા પર નજર નાખનારને જવાબ આપી દેવામાં આવ્યો છે.


તેની સાથે જ વડાપ્રધાન ફરી એકવાર જનતાને આત્મનિર્ભર થવાની અપીલ કરી શકે છે. તેઓ આવું પહેલા પણ કહી ચૂક્યા છે કે આપણે બીજા દેશો પર નિર્ભરતા ઓછી કરવી જોઈએ.


દેશમાં અત્યાર સુધીમાં કોરોનાના સાડા પાંચ લાખથી વધુ કન્ફર્મ કેસ આવી ચૂક્યા છે. વડાપ્રધાન મોદી જ્યારે-જ્યારે લોકોને સંબોધિત કરે છે, તેઓએ સોશિયલ ડિસ્ટન્સિંગ અને માસ્કના મહત્વ પર ભાર મૂક્યો છે. એવામાં માનવામાં આવી રહ્યું છે કે આજે પણ વડાપ્રધાન ફરી એકવાર સામાજિક અંતરના પાલનની અપીલ કરશે.


અનલૉક 2.0ને લઈને સોમવારે ગાઇડલાઇન આવી ચૂકી છે, પરંતુ હજુ પણ અનેક બાબતોને લઈ અસ્પષ્ટતા છે. એવામાં ચર્ચા છે કે પીએમ મોદી પોતાના સંબોધનમાં અનલૉક 2.0 દરમિયાન ઇન્ટરનેશનલ ફ્લાઇટ્સ અને મેટ્રોને લઈને વાત કરી શકે છે. તમામ સેવાઓને ક્યાં સુધીમાં શરૂ કરવાની યોજના છે, તેના વિશે પણ તેઓ જાણકારી આપી શકે છે.