નવી દિલ્હી : રામ મંદિર ભૂમિ પૂજન (Ram Temple Bhumi Pujan) માટે પીએમ મોદી અયોધ્યા પહોંચ્યા છે. અહીં પહોંચીને તેમણે હનુમાનગઢી અને બાદમાં રામલાના દર્શન કર્યા હતા. વડાપ્રધાન તરીકે મોદી પહેલા એવા પીએમ છે જેમણે રામલલાના દર્શન કર્યા છે. વડાપ્રધાન રહેતા પીએમ મોદીથી લઈને ઇન્દિરા ગાંધી, રાજીવ ગાંધી અને અટલ બિહારી વાજપાયી અનેક વખત અયોધ્યાના પ્રવાસે આવ્યા હતા. પરંતુ તમામ લોકોએ રામલલાના દર્શન કર્યા ન હતા. એ સમયે દર્શન ન કરવાનું કારણ એવું પણ હતું કે આ અંગે કોર્ટમાં કેસ ચાલી રહ્યો હતો.
બુધવારે વડાપ્રધાન મોદી દિલ્હીથી અયોધ્યા પહોંચ્યા હતા. અહીંથી તેઓ પહેલા હનુમાનગઢી મંદિર પહોચ્યા હતા. અહીં તેમણે પૂજા કરી હતી. જે બાદમાં તેઓ રામ જન્મભૂમિ પહોંચ્યા હતા અને રામલલાના દર્શન કર્યા હતા. પીએમ મોદી આ પહેલા બે વખત અયોધ્યા આવી ચુક્યા છે. પ્રથમ વખત પીએમ મોદી 1992માં અયોધ્યા આવ્યા હતા. જે બાદમાં 2019માં લોકસભાની ચૂંટણીમાં વડાપ્રધાન રહેતા તેઓ અયોધ્યા જિલ્લામાં આવ્યા હતા અને ચૂંટણી સભાને સંબોધી હતી. જોકે, તેમણે રામલલાના દર્શન કર્યા ન હતા.
વડાપ્રધાન બન્યા બાદ ઇન્દિરા ગાંધી 1966માં અયોધ્યા આવ્યા હતા. તેમણે અયોધ્યાના ઘાટ પર બનેલ સરયૂ પુલનું લોકાર્પણ કર્યું હતું. આ કાર્યક્રમ બાદ તેઓ પરત દિલ્હી ચાલ્યા ગયા હતા. તેમણે રામલલાના દર્શન કર્યા ન હતા. બીજી વખત તેઓ 1979માં અયોધ્યા પહોંચ્યા હતા. આ વખતે તેમણે હનુમાનગઢી પહોંચીને દર્શન કર્યા હતા. જે બાદમાં પણ એક વખત ઇન્દિરા ગાંધી અયોધ્યા પહોંચ્યા હતા પરંતુ તેમણે રામલલાના દર્શન કર્યા ન હતા.
રાજીવ ગાંધીએ વડાપ્રધાન પદ પર રહીને એક વખત અયોધ્યાનો પ્રવાસ કર્યો હતો. રાજીવ ગાંધીએ વડાપ્રધાન રહેતા 1986માં બાબરી મસ્જિદનું તાળું ખોલાવ્યું હતું અને 1989માં રામ મંદિરનો શિલાન્યાસ કરાવ્યો હતો. 1984માં રાજીવ ગાંધીએ અયોધ્યામાં ચૂંટણી જનસભા સંબોધી હતી. જે બાદમાં તેમણે 1989માં અયોધ્યાથી પોતાના ચૂંટણી અભિયાનની શરૂઆત કરી હતી. અયોધ્યાના પ્રવાસ દરમિયાન રાજીવ ગાંધીએ ક્યારેય રામલલાના દર્શન કર્યા ન હતા. જે બાદમાં વર્ષ 2016 અને 2019માં રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી વાડ્રા અયોધ્યા પહોંચ્યા હતા. બંનેએ હનુમાનગઢીના દર્શન કર્યા હતા.
બીજેપીના પ્રથમ વડાપ્રધાન અટલ બિહારી વાજપાયી અનેક વખત અયોધ્યા આવ્યા પરંતુ તેમણે ક્યારેક રામલલાના દર્શન કર્યા ન હતા. વડાપ્રધાન પદ પર રહેતા તેઓ બે વખત અયોધ્યા આવ્યા હતા. 2003ના વર્ષમાં મંદિર આંદોલનનો મુખ્ય ચહેરો એવા રામચંદ્રદાસ પરમહંસનું નિધન થયું હતું ત્યારે તેઓ અયોધ્યા આવ્યા હતા. સરયૂના તટ પર તેમણે પરમહંસને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. આ સમયે તેમણે કહ્યું હતું કે તેમનું સપનું જરૂર પૂરું થશે.