કોરોના મહામારી (Corona Pandemic)ને રોકવા માટે રસીકરણ (Covid Vaccine) સૌથી અસરકારક શસ્ત્ર છે. જેથી વિશ્વના મોટાભાગના વિકસિત અને વિકાસશીલ દેશો રસી માટે સંશોધનો કરી રહ્યા છે. ભારતે પણ રસીના કરોડો ડોઝ વિદેશ મોકલ્યા છે. આવી સ્થિતિમાં પાકિસ્તાન (Pakistan)એ પણ પોતાની રસી લોન્ચ કરી છે! અલબત્ત આ રસીની વાસ્તવિકતા અંગે ઘણા પ્રશ્નો ઉઠ્યા છે. સાયન્સ અને ટેકનોલોજીમાં પાછળ પાકિસ્તાને રસી કઈ રીતે બનાવી લીધી? તેવા સવાલ પણ લોકોના મનમાં છે.
વિગતો મુજબ પાકિસ્તાને કોરોના સામેની જંગ માટે પાકવૈક (Pakvac) નામની રસી વાજતેગાજતે લોન્ચ કરી છે. આ રસી પાકિસ્તાની કંપની બનાવી રહી છે. આ રસી પાકિસ્તાનમાં જ તૈયાર થઈ હોવાનો દાવો પાકિસ્તાની સરકાર કરી રહી છે. પરંતુ આ રસી ચીનની મદદ બની હોવાની વાસ્તવિકતા સામે આવી છે. આ તે જ રસી છે, જેને ચીને થોડા મહિના પહેલા સાઈનોવૈક નામથી લોન્ચ કરી હતી.
વર્તમાન સમયે પાકિસ્તાનમાં યુરોપ (Europe) અને અમેરિકા (USA)માં બનેલી રસી ઉપલબ્ધ નથી. આવી સ્થિતિમાં ચીને પાકિસ્તાનની મદદ કરી છે. અત્યાર સુધી તો પાકિસ્તાનમાં ચીનની સાઈનોવૈક રસી (Sinovac Vaccine) ઉપલબ્ધ હતી. પરંતુ ચીને એપ્રિલમાં જ પાકિસ્તાનને તે ટેકનોલોજી આપી દીધી હતી. ત્યારબાદ પાકિસ્તાનની એક કંપનીએ આ રસી બનાવવાનું શરૂ કર્યું હતું.
પાકિસ્તાનમાં આ રસી બનાવવા માટે કાચો માલ પણ ચીન મોકલાવે છે. પાકિસ્તાનના અખબાર ડોનના અહેવાલ મુજબ પાકવૈક રસીને ચીનની સરકારી ફાર્માસ્યુટિકલ કંપની કૈન્સીનોમાં વિકસિત કરાઈ હતી. જેને ત્યાંથી કોન્સનટ્રેટેડ રૂપમાં પાકિસ્તાન લાવવામાં આવે છે. ત્યારબાદ ઇસ્લામાબાદની નેશનલ ઇન્સ્ટિટયૂટ ઓફ હેલ્થ (NIH)માં તેનું પૅકેજિંગ કરવામાં આવે છે. અલબત્ત, આ પ્રક્રિયા પર ચીનના નિષ્ણાંતો નજર રાખી રહ્યા છે.