

નવી દિલ્હી: દેશની રાજધાની નવી દિલ્હી (New Delhi)ના રોહિણી વિસ્તારમાં એક હચમચાવી દેતો બનાવ સામે આવ્યો છે. અહીં પ્રેમ નગરમાં એક વ્યક્તિ હત્યા કર્યા બાદ લાશને સ્કૂટર (Schooter) પર લઈને ફરતો રહ્યો હતો. વ્યક્તિ લાશ (Dead body)ને સ્કૂટર પર મૂકીને તેનો નીકાલ કરવા માટે જગ્યા શોધતો રહ્યો હતો. જે બાદમાં રોહિણી (Rohini area)ના એક વિસ્તારમાં આવેલા ખાલી પ્લોટમાં તેણે લાશને ફેંકી દીધી હતી. પોલીસને આ કેસમાં સીસીટીવી ફૂટેજ (CCTV Footage) મળ્યા છે. જે બાદમાં પોલીસે આરોપીની ધરપકડ કરી લીધી છે.


પોલીસના જણાવ્યા પ્રમાણે મૃતકનું નામ રવિ છે. પૈસાની લેતીદેતીમાં અંકિત નામના વ્યક્તિએ રવિની હત્યા કરી નાખી હતી. અંકિત અને રવિ વચ્ચે 77 હજાર રૂપિયાની લેતીદેતી થઈ હતી. અંકિતે પહેલા રવિના માથા પર હુમલો કર્યો હતો, જે બાદમાં ગળું દબાવીને તેની હત્યા કરી નાખી હતી.


હત્યા બાદ અંકિત લાશને ક્યાં ફેકવી તેનો વિચાર કરવા લાગ્યો હતો. પ્લાનિંગ પ્રમાણે અંકિતે રવિની લાશને એક બોરીમાં ભરી હતી. જે બાદમાં લાશને સ્કૂટર પર મૂકીને તેને ફેંકવા માટે જગ્યા શોધવા લાગ્યો હતો. પોલીસના કહેવા પ્રમાણે બે કિલોમીટર સુધી તે લાશને સ્કૂટર પર મૂકીને ફરતો રહ્યો હતો. જે બાદમાં તેણે લાશને એક ખાલી પ્લોટમાં દફન કરી દીધી હતી અને ભાગી ગયો હતો.


બીજી તરફ રવિ ગુમ થયાની ફરિયાદ તેના પરિવારના લોકોએ પોલીસ સ્ટેશનમાં આપી હતી. જે બાદમાં પોલીસ આ મામલે તપાસ કરી રહી હતી. આ દરમિયાન પોલીસને મળેલા સીસીટીવીમાં અંકિત નામનો વ્યક્તિ સ્કૂટરમાં કોઈ શંકાસ્પદ વસ્તુ લઈને ફરી રહ્યો હતો.