

નવી દિલ્હી : દેશની રાજધાની દિલ્હીના કેટલાક વિસ્તારોમાં છેલ્લા ઘણા દિવસોથી હિંસાની ઘટનાઓ બની રહે છે. હિંસાની ખબર વચ્ચે મુસ્લિમ બહુમત (Muslim Dominated)ધરાવતા વિસ્તારમાં રહેતા એક હિન્દુ પરિવાર (Hindu Family) ખૂબ ચિંતત હતો. કારણ કે આવી હાલતમાં લગ્ન સમારંભનું આયોજન કરવું મુશ્કેલ હતું. આ પરિવારની મદદે તેના પાડોશમાં રહેતો મુસ્લિમ પરિવાર આવ્યો હતો. હિન્દુ પરિવારના લગ્નમાં પાડોશી મુસ્લિમ યુવાઓએ યુવતીના ભાઈ બનીને સંબંધ નિભાવ્યો હતો અને હિંસાના બનાવ વચ્ચે માનવતાની મિશાલ રજૂ કરી હતી. હકીકતમાં અહીં રહેલી એક યુવતીના લગ્નના એક દિવસ પહેલા જ આ વિસ્તારમાં હિંસા ફાટી નીકળી હતી. આથી હિન્દુ પરિવાર લગ્ન રદ કરવા કે પાછા ઠેલવવાનું વિચારી રહ્યો હતો. પરંતુ મુસ્લિમ પરિવારે પહેલ કરતા લગ્ન સમારંભ સુખમય રીતે પૂર્ણ થયો હતો.


હાથમાં મહેંદી લાગી હતી અને દુલ્હન રડી રહી હતી : મીડિયા સાથેની વાતચીતમાં 23 વર્ષીય સાવિત્રી પ્રસાદે જણાવ્યું કે તેણી પોતાના ઘરે રડી રહી હતી. હિંસાના બનાવ બાદ આખા વિસ્તારમાં તણાવ હતો અને મંગળવારે તેના લગ્ન થવાના હતા. આ શુભ દિવસ માટે મહેંદી રસમ પણ પૂર્ણ થઈ ગઈ હતી. એવામાં હિંસા ફાટી નીકળતા કોઈને સમજાઈ રહ્યું ન હતું કે શું કરવું. એવા સમયે જ યુવતીના પિતાએ જાહેરાત કરી કે લગ્ન નિર્ધારિત દિવસે જ થશે અને તેમાં પાડોશી મુસ્લિમ પરિવાર પણ હાજર રહેશે. આ વાત સાંભળીને તમામ લોકો ચોંકી ગયા હતા.


લગ્નનું આયોજન સાવિત્રીના ઘરે જ થયું હતું. તેનું ઘર હિંસાગ્રસ્ત ચાંદ બાગ વિસ્તારની એક સાંકડી શેરીમાં આવેલું હતું. થોડા જ અંતરે આવેલા રસ્તા પર હિંસાનું તાંડવ ચાલી રહ્યું હતું. આ દરમિયાન કારો અને દુકાનોમાં ખૂબ જ તોડફોડ કરવામાં આવી હતી. લોકોના બે જૂથો સામસામે પથ્થરો ઉઠાવી રહ્યા હતા. સાવિત્રીએ રોઇટર્સ સાથે વાતચીતમાં કહ્યું કે મારા મુસ્લિમ ભાઈઓ આજે મારું રક્ષણ કરી રહ્યા છે. આ લગ્ન સમારંભમાં આવેલી એક મહિલાએ જણાવ્યું કે તેના પરિવારને મુસ્લિમ પાડોશીએ હૈયાધારણા આપી હતી. (દિલ્હીની હિંસા બાદનું એક દ્રશ્ય.)


છત પરથી ફક્ત ધૂમાડો દેખાતો હતો : સાવિત્રીના પિતાનું કહેવું છે કે તેના ઘરની છત પરથી ફક્ત ધૂમાડો જ દેખાઈ રહ્યો હતો. તેમણે કહ્યુ કે તેઓ અનેક વર્ષોથી આ વિસ્તારમાં મુસલમાનો સાથે શાંતિ અને કોઈ પરેશાની વગર રહે છે. સાથે જ તેમણે કહ્યું કે હિંસામાં કયા લોકોનો હાથ છે તેના વિશે તેમને કોઈ જાણકારી નથી.