

નવી દિલ્હી : ભારતના પ્રથમ બુલેટ ટ્રેન પ્રોજેક્ટને (Bullet Train Project)ઝડપ મળી રહી હોય તેવું લાગે છે. હાલમાં જ ભારતમાં જાપાન એમ્બેન્સીએ બુલેટ ટ્રેન E5 Series Shinkansenની આધિકારિક તસવીર જાહેર કરી છે. આ પ્રોજેક્ટ તૈયાર થયા પછી મુંબઈથી અમદાવાદ વચ્ચેની મુસાફરી ફક્ત 2 કલાકમાં પૂરી થઈ શકશે. ખાસ વાત એ છે કે પાંચ વર્ષ પહેલા ભારત સરકારે 508 કિમી લાંબા મુંબઈ-અમદાવાદ હાઇ સ્પીડ રેલ કોરિડોર (Mumbai-Ahmedabad High Speed Rail Corridor)માટે મંજૂરી આપી હતી.


શુક્રવારે ભારત સ્થિત જાપાની દૂતાવાસે (Japan Embassy) ટ્રેનની તસવીર શેર કરી છે. આ ટ્રેનમાં ફેરફાર કરવામાં આવશે જેથી તેનો ઉપયોગ મુંબઈ-અમદાવાદ હાઇ સ્પીડ રેલ પ્રોજેક્ટમાં રોલિંગ સ્ટોક એટલે રેલવેમાં ઉપયોગ થનારી ગાડીઓ અને વેગન તરીકે ઉપયોગ કરી શકાય. આ ટ્રેન ભારતીય રેલ વ્યવસ્થાને રફ્તાર આપશે.


ઉલ્લેખનીય છે કે આ પ્રોજેક્ટે શરૂઆતમાં તો ગુજરાતમાં રફ્તાર પકડી હતી પણ જમીનની પરેશાનીના કારણે મહારાષ્ટ્રમાં આ કામ ધીમું થઈ ગયું છે. 1.08 કરોડ રૂપિયાના અંદાજિત ખર્ચથી તૈયાર થઈ રહેલો આ પ્રોજેક્ટ પહેલા જ વિલંબથી શરૂ થયો હતો. રાજનીતિક મતભેદોની પણ આ પ્રોજેક્ટના કામ અસર પડી શકે છે.


થોડા દિવસો પહેલા રેલવે બોર્ડના સીઇઓ અને ચેરમેન વીકે યાદવે જણાવ્યું હતું કે પૂલો અને સુરંગ બનાવવાનું કામ ભારતીય ઠેકેદાર કરી રહ્યા છે. જ્યારે સિગ્નલ, ટેલિકોમ અને રોલિંગ સ્ટોકનું કામ જાપાની કંપનીઓ કરી રહી છે. 2018માં જાપાનના પ્રધાનમંત્રી રહેલા શિંજો આબેએ કહ્યું હતું કે ભારતમાં જલ્દીથી જલ્દી બુલેટ ટ્રેન પ્રોજેક્ટને પૂરો કરવા જાપાન પ્રતિબદ્ધ છે.