ભારતમાં લગભગ 15 હજાર કરોડથી વધુની બેન્ક લોન ગોટાળા (PNB Scam)ને અંજામ આપીને ફરાર થઈ ગયેલો મેહુલ ચોકસી (Mehul Choksi) હાલ ડોમિનિકા (Dominica) આઇલેન્ડમાં પોલીસની કસ્ટડીમાં છે. મૂળે, છેલ્લા ઘણા સમયથી હીરાનો વેપારી મેહુલ ચોકસી એન્ટિગુઆ (Antigua and Barbuda)માં નાગરિકતા લઈને રહેતો હતો. પરંતુ છેલ્લા કેટલાક દિવસથી તે પોતાની ગર્લફ્રેન્ડના ચક્કરમાં એન્ટિગુઆથી ડોમિનિકા પહોંચ્યો હતો. મળતી માહિતી મુજબ મેહુલ ચોકસી પોતાની ગર્લફ્રેન્ડની સાથે રોમેન્ટિક ડિનર ડેટ માટે ડોમિનિકા ગયો હતો, જે એન્ટિગુઆની પાસે આવેલો છે. ત્યાં જ તેની ધરપકડ થઈ છે.
બીજી તરફ, એન્ટિગુઆ ન્યૂઝ રૂમ મુજબ, કતાર એરવેઝનું એક ખાનગી પ્લેન ડોમિનિકામાં ડગલસ-ચાર્લ્સ એરપોર્ટ પર ઉતર્યું. ત્યારબાદ ચોકસીના પ્રત્યર્પણને લઈને અટકળો વહેતી થઈ છે. એન્ટિગુઆ અને બારબુડાથી રહસ્યમયી પરિસ્થિતિઓમાં ગુમ થયેલો મેહુલ ચોકસી પડોશના ડોમિનિકામાં પકડાઈ ગયો. બ્રાઉને રેડિશા શોમાં જણાવ્યું કે ચોકસીના પ્રત્યર્પણ માટે જરૂરી દસ્તાવેજ લઈને પ્લેન ભારતથી આવ્યું છે.