બિહાર પોલીસમાં આજકાલ લિપિ સિંહનું નામ ખૂબ ચર્ચામાં છે. 'મિશન અનંત' એટલે કે મોકમાના બાહુબલી ધારાસભ્ય અનંત સિંહની ધરપકડને લઈને મહિલા આઈપીએસને આજકાલ લોકો 'લેડી સિંધમ' કહી રહ્યા છે. સામાન્ય કદ-કાઠીની આ મહિલા આઈપીએસથી તેના વિસ્તારના અપરાધીઓ થરથર ધ્રુજે છે. એટલું જ નહીં લિપિ સિંહ અનંત સિંહ જેવા બાહુબલીઓ માટે પણ માથાનો દુખાવો બની છે. આ જ કારણ છે કે અનંત સિંહ તેના પર અનેક આરોપ લગાવી ચુક્યા છે.
કોણ છે લિપિ સિંહ? : લિપિ સિંહ જનતા દળ (યુનાઇટેડ)ના સાંસદ આરસીપી સિંહની દીકરી છે. આરસીપી સિંહ જનતાદળના સાંસદ છે, એટલુ જ નહીં તેમને બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારના સૌથી નજીકના માનવામાં આવે છે. તેઓ પૂર્વ આઈએએસ પણ છે. આરસીપી સિંહની દીકરી લિપિ સિંહે વર્ષ 2015માં સિવિલ સર્વિસ પરીક્ષા પાસ કરી હતી અને આઈપીએસ અધિકારી બની હતી.
લિપિ સિંહથી ગુનેગારો ધ્રુજે છે : લિપિ સિંહથી રેતી માફિયા અને ગુનેગારો ધ્રુજે છે. અનંત સિંહના ઘરે કરવામાં આવેલા દરોડાંની આગેવાની લિપિ સિંહે લીધી હતી. બાઢના એસએસપી તરીકે ફરજ બજાવતી વખતે લિપિ અનેક ગુનેગારો માટે માથાનો દુખાવો બની હતી. લિપિ સિંહે દારૂ, રેતી ખનન, હથિયારોના ગેરકાયદે વેપાર સહિતના કાળા કામો પર લગામ લગાવી હતી. અનંત સિંહના સમર્થકો પર લિપિનો દંડો અવારનવાર ચાલે છે. લિપિ વિશે કહેવામાં આવે છે કે તે પોતાના નીચેના અધિકારીઓને આદેશ કરવાને બદલે મોટાભાગના ઓપરેશનોની આગેવાની પોતે જ લે છે.