

જમ્મુ કાશ્મીર (Jammu Kashmir)ના ત્રિકુટા પર્વતો પર આવેલ માતા વૈષ્ણો દેવી મંદિર (Shri Mata Vaishno Devi Yatra)ના દ્વાર શ્રદ્ધાળુઓ માટે ફરીથી ખોલવામાં આવ્યા છે. કોરોના વાયરસના કારણે લગભગ 5 મહિનાથી મંદિર બંધ રહ્યું હતું. જે પછી રવિવાર સવારથી માતાના મંદિરો સમેત ધાર્મિક સ્થળો ખોલવામાં આવ્યા હતા. પણ કોરોના વાયરસના કારણે 5 મહિના પછી ખોલવામાં આવેલા આ મંદિરમાં ધણું બધું બદલાઇ ગયું છે. પહેલાની જેમ ના તો હવે પંડિતજી ગુફાની અંદર તિલક લગાવે છે ના જ હજી આસપાસની દુકાનો ખુલી છે.


વૈષ્ણોદેવી પહોંચેલા ભક્તોના જણાવ્યા મુજબ ગુફામાં પહેલા પંડિત બેસતા હતા અને તે ભક્તોને તિલક લગાવતા અને પછી ભક્તો પંડ રૂપના દર્શન કરીને વિદાય લેતા. પણ હવે તેવું નથી રહ્યું. વળી ભક્ત પણ ખૂબ જ ઓછા આવે છે. તેવામાં ગુફા સુધી પહોંચતા ભક્તો ખૂબ ઓછા સમયમાં માતાના દર્શન કરીને બહાર આવે છે. વળી કોરોના સંકટને જોતા અહીં પંડિતજી ભક્તોને પ્રસાદ પણ નથી આપી રહ્યા.


એટલું જ નહીં કોરોના કારણે મંદિર પરિસરમાં આવેલી દુકાનો પણ બંધ છે. મંદિરમાં સાફ સફાઇની પૂરતી વ્યવસ્થા કરવામાં આવી છે. લંગર પણ ચાલુ કરવામાં આવ્યા છે. પણ તેમાં સોશિયલ ડિસ્ટેંસિંગનો ખ્યાલ રાખવામાં આવ્યો છે. વળી મોટી વાત એ છે કે મંદિરમાં દર્શન માટે ઘોડા-ખચ્ચરની અવર જવર પણ બંધી છે. ખાલી હેલિકોપ્ટર સેવા જ ચાલુ છે.


આ સમયે કોરોનાના ખતરાના કારણે મંદિર પરિસરમાં તમામ પ્રસાદની દુકાનો પણ બંધ રાખવામાં આવી છે. શ્રી માતા વૈષ્ણો દેવી શ્રાઇન બોર્ડના મુખ્ય કાર્યકારી અધિકારી રમેશ કુમારે જણાવ્યું કે કોરોના વાયરસના ફેલાવાને રોકવા માટે કરીને 18 મેથી સાવચેતીના પગલાં રૂપ વૈષ્ણોદેવીની યાત્રા રોકવામાં આવી હતી


હવે પ્રશાસને ધાર્મિક સ્થળો ફરી ખોલવાનો નિર્ણય કરતા બોર્ડે આ સંક્રમણ રોગની સ્થિતિને જોતા તમામ જરૂરિયાતમંદ પગલાં ઉઠાવ્યા છે. ઉલ્લેખનીય છે કે મંદિરની સાફ સફાઇનું ધ્યાન રાખવામાં આવી રહ્યું છે. સાથે જ જમ્મુ કાશ્મીરમાં બહારથી આવતા શ્રદ્ધાળુઓ કોવિડ 19ની તપાસ કરાવવી ફરજીયાત છે. અને જો તેમના રિપોર્ટ નેગેટિવ આવે છે તો જ તે આગળ જઇ શકે છે. વળી વૈષ્ણો દેવીની યાત્રા કરવાના ઇચ્છુક લોકોને પહેલા ઓનલાઇન રજિસ્ટ્રેશન કરાવવું પડે છે.