ભારત-પાકિસ્તાન સરહદ પર નિયંત્રણ રેખાની નજીક થયેલા આઈઈડી બ્લાસ્ટમાં શહીદ થયેલા મેજર ચિત્રેશ બિષ્ટના અંતિમ સંસ્કારમાં દેહરાદૂનમાં મોટા સંખ્યામાં લોકો એકત્ર થયા. શહીદ મેજર ચિત્રેશ બિષ્ટના પિતા એસએસ બિષ્ટે કહ્યું કે, બધું બરાબર ચાલી રહ્યું હતું. બંને દીકરા આપબળે આગળ વધી રહ્યા હતા. પોતાનું કમાયેલું ખાઈ રહ્યા હતા. કોઈ વસ્તુની ચિંતા નહોતી. બસ તેના લગ્ન બાકી રહી ગયા હતા. થોડો સમય પસાર થઈ ગયો પરંતુ ચિત્રેશે તક જ ન આપી. કોઈ આવી રીતે શું છોડીને જાય છે?
દીકરાના નાનપણથી લઈને શહાદત પહેલા સુધીની તમામ વાતો યાદ કરતાં ભાવુક થઈને પિતાએ કહ્યું કે, મેં કોઈનું શું ખરાબ કર્યું, જે મારી સાથે આવું થયું. ઘરે મળવા આવનારા લોકોને એસએસ બિષ્ટ વારંવાર દહેરાદૂન છોડી દેવાની વાત કહે છે. બિષ્ટ કહે છે કે હવે અહીં રહીને શું કરીશ? બધું છોડીને ગામ ચાલ્યા જઈશું. અહીં જે છે, તે તેના માટે તો રાખ્યું હતું.