નવીન મેહર, ધાર. તમે સફેદ હાથી પાળવાની કહેવત તો સાંભળી હશે. પરંતુ મધ્ય પ્રદેશ (Madhya Pradesh)ના ધાર (Dhar)ના ધામનોદરમાં એક લાલ ઘોડો (Red Horse), સફેદ હાથી ઉપર પણ ભારે પડી રહ્યો છે. આ લાલ ઘોડો હોર્સ રાઇડિંગ ટીચર (Horse Riding Teacher)ના ગળે પડી ગયો છે. ટીચર સમજી નથી શકતો કે તે કરે તો કરે શું. આવો જાણીએ આ અજબ-ગજબ મામલો. ધામનોદના કુંદા ગામમાં રહેનારા અર્જુન કટારે ધામનોદના હિમાલય સ્કૂલમાં હોર્સ રાઇડિંગ ટીચર હતા. તેઓ કોન્ટ્રાક્ટર સચિન રાઠૌડની અંડરમાં બાળકોને ઘોડેસવારી શીખવાડતા હતા. પરંતુ કોરોના સંક્રમણે બધું વેરવિખેર કરી દીધું.
કોરોના સંક્રમણના કારણે સ્કૂલ છેલ્લા દોઢ વર્ષથી બંધ પડી છે. સ્પષ્ટ છે કે જ્યારે બાળકો સ્કૂલ નથી આવી રહ્યા તો ઘોડેસવારી પણ બંધ પડી છે. અર્જુનની નોકરી તો ચાલી જ રહી હતી, સાથોસાથ સ્કૂલ મેનેજમેન્ટે તેને છેલ્લા 6 મહિનાનો પગાર નહોતો આપ્યો. અર્જુન પોતાના પગારની ડિમાન્ડ કોન્ટ્રાક્ટર સચિન રાઠોડની પાસે કરવા પહોંચ્યો તો સચિને પગાર આપવાને બદલે અર્જુનને ઘોડો સોંપી દીધો અને એવું કહીને જતો રહ્યો કે આઠ-દસ દિવસમાં પરત આવીને તેનો પગાર આપી દેશે અને ઘોડો લઈ જશે.
તે દિવસને આજની ઘડી. કોન્ટ્રાક્ટર સચિન રાઠોડ પરત આવ્યો જ નહીં. હવે અર્જુન વધુ પરેશાન છે. ગરીબીમાં આંટા ઢીલા થઈ ગયા છે. પહેલાથી જ 6 મહિનાનો પગાર નથી મળ્યો તેથી આર્થિક સ્થિતિ ખરાબ ચાલી રહી હતી અને હવે આ ઘોડો અને તેના સારસંભાળનો ખર્ચ અર્જુનના માથે આવી ગયો છે. 15 દિવસ પસાર થઈ ગયા છે પરંતુ સચિન પરત આવ્યો નથી, તેથી હવે ઘોડાનો ખર્ચ પણ અર્જુન ઉઠાવી રહ્યો છે. રોજ ઘોડા પર 100 રૂપિયાનો ખર્ચ થઈ રહ્યો છે.