જો તમે કોઈ વ્યક્તિ વિશેષની સંઘર્ષ ગાથા સાંભળી હોય તો તેમાં સ્મૃતિ ઈરાનીનું નામ પણ ઉમેરી દો. આ એ વ્યક્તિ છે જેણે પોતાની લગન અને મહેનતથી નામ બનાવ્યું છે. ટીવીની સંસ્કારી વહૂ અને કડકછાપ નેતા. ખાતાઓની ફાળવણીમાં સ્મૃતિ ઈરાનીને મહિલા અને બાળ વિકાસ મંત્રી તેમજ ટેક્સટાઇલ ખાતાનો પદભાર સોંપવામાં આવ્યો છે.
દિલ્હીમાં શરૂઆતના અભ્યાસ બાદ સ્મૃતિ કંઈક કરવાની ભાવના સાથે મુંબઈ પહોંચી હતી. સંઘર્ષના દિવસોમાં સ્મૃતિએ મેકડોનાલ્ડમાં વેઇટ્રેસનું કામ કર્યું હતું. ધીમે ધીમે તેણીને એડ ફિલ્મમાં કામ મળવા લાગ્યું હતું. આ દરમિયાન તેણી 1998માં મિસ ઇન્ડિયા ફાઇલન સુધી પહોંચી હતી. ટીવી સીરિયલ "ક્યોંકી સાંસ ભી કભી બહુ થી"માં તુલસીના પાત્રથી સ્મૃતિને ખૂબ જ પ્રસિદ્ધિ મળી. તે ટીવીન જાણીતી અભિનેત્રી બની ગઈ હતી.
વર્ષ 2003માં સ્મૃતિ બીજેપીમાં સામેલ થઈ હતી. 2004માં સ્મૃતિને મહારાષ્ટ્ર યુવા વિંગની ઉપાધ્યક્ષ બનાવવામાં આવી હતી. 2004માં બીજેપીએ સ્મૃતિને દિલ્હીની ચાંદની ચોક બેઠક પરથી ઉમેદવાર બનાવી હતી, તેણી આ ચૂંટણી કોંગ્રેસના કપિલ સિબ્બલ સામે હારી ગઈ હતી. 2010માં સ્મૃતિને બીજેપીની રાષ્ટ્રીય સચિવ બનાવવામાં આવી હતી, જે બાદમાં બીજેપીએ સ્મૃતિને મહિલા મોરચાની અધ્યક્ષ બનાવી હતી.
2011માં બીજેપીએ સ્મૃતિને ગુજરાતમાંથી રાજ્યસભામાં મોકલી હતી. 2014માં સ્મૃતિએ અમેઠીમાંથી રાહુલ ગાંધી સામે ચૂંટણી લડી હતી, આ ચૂંટણીમાં પણ સ્મૃતિની હાર થઈ હતી. જોકે, મોદી સરકારે સ્મૃતિને એચઆરડી મંત્રી બનાવી હતી. જુલાઈ, 2016માં સ્મૃતિના મંત્રાલયમાં બદલાવ કરવામાં આવ્યો અને તેણીને કાપડ મંત્રાલયની જવાબદારી સોંપવામાં આવી હતી.