માર્ચ 2018માં જ મધ્ય પ્રદેશના ચિત્રકૂટમાં રાષ્ટ્રીય સનાતન દળ નામના એક સંગઠને રાજાપુર પોલીસ સ્ટેશન વિસ્તારના સગવારા ગામમાં નથૂરામ ગોડસેની મૂર્તિ સ્થાપિત કરી પૂજા કરવાની શરૂઆત કરી દીધી હતી. જોકે, પોલીસે થોડાક જ કલાકોમાં તેને જપ્ત કરી લીધી હતી. રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીના હત્યારાનું મંદિર સ્થાપિત કરવાના પ્રયાસનો આ એકલો મામલો નથી. ગ્વાલિયર અને મેરઠમાં પણ આવા જ પ્રયાસ ચાલુ છે.
મધ્ય પ્રદેશના ગ્વાલિયરમાં પણ ગયા વર્ષે હિન્દુ મહાસભાએ ગોડસેનું મંદિર બનાવવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ પોલીસે મૂર્તિ જપ્ત કરી લીધી હતી. હિન્દુ મહાસભાના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ જયવીર ભારદ્વાજ જણાવે છે કે ગોડસેએ મહાત્મા ગાંધીની હત્યા માત્ર વિભાજનમાં માર્યા ગયેલા 10 લાખ હિન્દુઓના મોતનો બદલો લેવા માટે કરી હતી. અમને ગાંધીથી કોઈ વાંધો નહોતો પરંતુ અમે સાવરકરવાદી છીએ અને આ ધારાના મહાપુરુષો અને શહીદોનનું સન્માન કરવા માંગીએ છીએ.
ઉત્તર પ્રદેશના મેરઠમાં પણ અખિલ ભારતીય હિન્દુ મહાસભા સંગઠને પોતાની ઓફિસમાં નથૂરામ ગોડસેની એક મૂર્તિ સ્થાપિત કરી છે જેની રોજ પૂજા પણ કરવામાં આવે છે. સંગઠનના ઉપાધ્યક્ષ અશોક શર્મા મુજબ અમે ગોડસે અને સાવરકરના ઉપાસક છીએ, અમે બસ એટલું ઈચ્છીએ છીએ કે તેમનું નામ સન્માનથી લેવામાં આવે. આવું ન કરનારા ગાંધીની જેમ યથાસ્થાન પર પહોંચાડવાનું કામ પણ કરી શકીએ છીએ.
નથૂરામનો જન્મ એક બ્રાહ્મણ પરિવારમાં થયો હતો. તેણે હાઈસ્કૂલનો અભ્યાસ વચમાં જ છોડી દીધો હતો. એવો દાવો કરવામાં આવે છે કે ગોડસે પોતાના ભાઈઓની સાથે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ) સાથે પણ જોડાયેલો હતો. બાદમાં તેણે 'હિન્દુ રાષ્ટ્રીય દળ'ના નામથી પોતાનું સંગઠન બનાવ્યું હતું જેનો ઉદ્દેશ્ય સ્વતંત્રતા માટે લડવાનો હતો. ગોડસેએ પોતાનું સમાચાર પત્ર પણ શરૂ કર્યું હતું જેનું નામ 'હિન્દુ રાષ્ટ્ર' હતું.
નથૂરામ ગોડસેને અંબાલાની સેન્ટ્રલ જેલમાં રાખવામાં આવ્યો હતો. હાઈવેના કિનારે બનેલી આ સેન્ટ્રલ જેલ ઠીક એવી જ હતી, જેવી અંડમાન નિકોબારની જેલ. આ જેલમાં 15 નવેમ્બર 1949ના રોજ નથૂરામ ગોડસેને ફાંસી આપવામાં આવી હતી. એક અન્ય ષડયંત્રકારી નારાયણ આપ્ટેને પણ તેની સાથે જ ફાંસી આપવામાં આવી. નથૂરામ ગોડસેનું શબ સરકારે પરિજનોને નહોતું સોંપ્યું. જેલના અધિકારીઓએ ધગ્ધર નદીના કિનારે તેના અંતિમ સંસ્કાર કરી દીધા હતા.