

નવી દિલ્હીઃ ભારે બરફવર્ષા (Snowfall)ના કારણે કાશ્મીર ઘાટી (Kashmir Valley)માં બરફની સફેદ ચાદર છવાઈ ગઈ છે. અહીં સતત અનેક દિવસોથી બરફવર્ષા થઈ રહી છે. જમ્મુ-કાશ્મીરના શ્રીનગર (Srinagar) અને ગુલમર્ગ (Gulmarg) સહિત અનેક શહેરોમાં રસ્તાઓ અને ઘરો પર બરફની જામી ગયો છે. ચારે તરફ બરફ હોવાના કારણે રસ્તાઓ પણ દેખાતા નથી. અનેક રસ્તા બંધ થઈ ગયા છે, જેના કારણે લોકોને ખૂબ જ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. સૌથી વધુ તકલીફ બીમાર અને ગર્ભવતી મહિલાઓને થઈ રહી છે. બરફવર્ષાના કારણે તેમને હૉસ્પિટલ પહોંચાડવા મોટો પડકાર બની જાય છે. આવો જ એક મામલો જમ્મુ-કાશ્મીરના કુપવાડા જિલ્લામાં જોવા મળ્યો છે.


જ્યાં લગભગ અનેક કલાકો સુધી સતત બરફવર્ષા થઈ રહી હતી. ત્યારે 5 જાન્યુઆરીએ રાત્રે 11 વાગ્યાની આસપાસ કુપવાડામાં સીઓબી કરાલપુરાને કુપવાડાના ફરકિયન ગામથી ખૂબ પરેશાન મંજૂર અહમદ શેખનો ફોન આવ્યો. મંજૂર અહમદે જણાવ્યું કે, તેમની પત્ની શબનન બેગમ પ્રસવ પીડાથી પસાર થઈ રહી છે અને તેને તાત્કાલિક હૉસ્પિટલ લઈ જવાની આવશ્યક્તા છે. આ ઉપરાંત ભારે બરફવર્ષા અને ખરાબ હવામાનના કારણે ન તો પ્રાઇમરી હેલ્થ સેન્ટર સેવાનું વાહન અને ન તો પબ્લિક ટ્રાન્સપોર્ટ ઉપલબ્ધ હતું. આ ઉપરાંત બધા જ રસ્તાઓ પર બરફ છવાઈ જવાથી વાહન લઈ જવું શક્ય જ નહોતું.


સ્થિતિની ગંભીરતા અને પરિવારને મુશ્કેલીમાં જોઈને કરાલપુરામાં તૈનાત સેનાના જવાન યુદ્ધ મેદાન સહાયક અને મેડિકલ સુવિધાઓ સાથે સમય પર તે સ્થળે પહોંચી ગયા. સૈનિકોએ મહિલાના પરિવારની સાથે લગભગ બે કિલોમીટર સુધી ઢીંચણ ઊંડા બરફમાં ચાલીને ગર્ભવતીને કરપુરા હૉસ્પિટલ પહોંચાડી. હૉસ્પિટલ પહોંચતા મહિલાને તાત્કાલિક મેડિકલ સ્ટાફે ભરતી કરી. જ્યાં સેના દ્વારા અગાઉથી જ સિવિલ પ્રવેશ માટે મંજૂરી લેવામાં આવી હતી.


આર્મી જવાનોનો ગર્ભવતીના પરિવારે અને નાગરિક પ્રશાસને આભાર વ્યક્ત કર્યો. ગર્ભવતી મહિલા અને તેના પરિવાર માટે આર્મી જાણે કે ફરિસ્તા બનીને આવી.