નવી દિલ્હી: દેશમાં કોરોના વાયરસ (Coronavirus Cases India)નો કહેર સતત વધી રહ્યો છે. જોકે, અનેક રાજ્યમાં કોરોનાનું સંક્રમણ રોકાયું છે પરંતુ સાથે સાથે અનેક રાજ્યમાં કોરોનાએ ફરીથી માથું ઊંચક્યું છે. નવી દિલ્હી (New Delhi), મધ્ય પ્રદેશ (Madhya Pradesh), ગુજરાત (Gujarat)ના અનેક શહેરોમાં કેસ ફરીથી વધતા તંત્રની ચિંતા વધી છે. આ જ કારણે આ રાજ્યોમાં ફરીથી અમુક પ્રકારના પ્રતિબંધો લગાવવામાં આવી રહ્યા છે. શનિવારે જાહેર થયેલા આંકડા પ્રમાણે છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોના સંક્રમણના 46 હજાર નવા કેસ નોંધાયા છે. આ સાથે જ દેશમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 90 લાખને પાર થઈ ગઈ છે. આથી એવી આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે કે ક્યાંક આખા દેશમાં ફરીથી લૉકડાઉન (Lockdown) કે પછી કર્ફ્યૂ (Curfew) ન લગાવવો પડે. (પ્રતિકાત્મક તસવીર)
દિલ્હીમાં હાલત બગડી : આજકાલ સૌથી ખરાબ હાલત નવી દિલ્હીની છે. અહીં દરરોજ કોરોના વાયરસના સરેરાશ છ હજાર નવા કેસ નોંધાઈ રહ્યા છે. ચિંતાની વાત તો એ છે કે અહીં મોતનો આંકડો પણ વધી રહ્યો છે. શનિવારે જાહેર થયેલા આંકડા પ્રમાણે દિલ્હીમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાથી 118 લોકોનાં મોત થયા છે. જ્યારે છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના કુલ 6,608 નવા કેસ નોંધાયા છે. એટલું જ નહીં, દિલ્હીના નિગમ બોધઘાટ પર મૃતદેહોના અંતિમસંસ્કાર માટે ત્રણથી ચાર કલાક રાહ જોવી પડી રહી છે. દિલ્હીમાં હવે માસ્ક ન પહેરતા લોકોને બે હજાર રૂપિયાનો દંડ ફટકારવામાં આવી રહ્યો છે. કોરોનાના વધતા કેસને ધ્યાનમાં રાખીને આગામી દિવસોમાં વધારે પ્રતિબંધો મૂકવામાં આવી શકે છે. (તસવીરઃ અમદાવાદમાં કર્ફ્યૂ)
મધ્ય પ્રદેશમાં નાઇટ કર્ફ્યૂ : મધ્ય પ્રદેશમાં પણ કોરોનાએ ફરીથી ગતિ પકડી છે. ભોપાલ તેમજ ઇન્દોરમાં કોરોનાના કેસ વધતા અહીં લૉકડાઉનની અટકળો લગાવવામાં આવી રહી છે. જોકે, આ અંગે નિર્ણય સીએમ કરશે. હાલ કોરોનાથી બચવા માટે નવી ગાઇડલાઇન જાહેર કરવામાં આવી છે. શિવરાજસિંહ સરકારે નાઇટ કર્ફ્યૂ લગાવવાની જાહેરાત કરી છે. 21 નવેમ્બરથી અહીં નાઇટ કર્ફ્યૂ લગાવવામાં આવશે. ન્યૂઝ એજન્સી એએનઆઈના જણાવ્યા પ્રમાણે નવો આદેશ ન આવે ત્યાં સુધી મધ્ય પ્રદેશમાં રાત્રે 10 વાગ્યાથી સવારના 6 વાગ્યા સુધી કર્ફ્યૂ રહેશે. આ કર્ફ્યૂ રાજ્યના ઇન્દોર, ભોપાલ, ગ્લાલિયર, વિદિશા અને રતલામ જિલ્લામાં લગાવવામાં આવ્યો છે. (તસવીર: અમદાવાદમાં કર્ફ્યૂ)
અનેક રાજ્યમાં સ્કૂલ બંધ કરવાનો નિર્ણય: કોરોના વાયરસનું સંક્રમણ વધતા હરિયાણા, ગુજરાત અને મહારાષ્ટ્રમાં સ્થાનિક તંત્રએ સ્કૂલોને બંધ જ રાખવાનો નિર્ણય કર્યો છે. મહારાષ્ટ્રમાં બીએમસી હેઠળ આવતી સ્કૂલો 31મી ડિસેમ્બર સુધી બંધ રહેશે. હરિયાણા સરકારે 30મી નવેમ્બર સુધી ખાનગી સ્કૂલો બંધ રાખવાનો નિર્ણય કર્યો છે. જ્યારે ગુજરાત સરકારે 23મી નવેમ્બરથી સ્કૂલો ખોલવાનો નિર્ણય હાલ પૂરતો સ્થગિત કરી દીધો છે.
ગુજરાતના ચાર શહેરમાં નાઇટ કર્ફ્યૂ: ગુજરાતમાં વધી રહેલા કોરોનાના કેસને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારે અમદવાદ, રાજકોટ, બરોડા અને સુરતમાં નાઇટ કર્ફ્યૂની જાહેરાત કરી છે. અમદાવાદમાં 20મી નવેમ્બરની રાતથી જ નાઇટ કર્ફ્યૂ લાદી દેવામાં આવ્યો છે. જ્યારે રાજકોટ, સુરત અને વડોદરામાં 21મી નવેમ્બરથી નાઇટ કર્ફ્યૂનો અમલ કરવામાં આવશે. આ કર્ફ્યૂ રાતના નવ વાગ્યાથી સવારના છ વાગ્યા સુધી લાગૂ રહેશે. આ ઉપરાંત અમદાવાદમાં 20મી નવેમ્બરના રોજ રાતના નવ વાગ્યાથી 23મી નવેમ્બરના સવારના છ વાગ્યા સુધી સળંગ કર્ફ્યૂ લાદવામાં આવ્યો છે. (તસવીર: કર્ફ્યૂને કારણે અમદાવાદ કાલુપુર રેલવે સ્ટેશન ખાતે પ્રવાસીઓ રઝળ્યાં)