

રાજૌરી : જમ્મુ-કાશ્મીરના રાજૌરી જિલ્લાની ઇર્મિન શમીમ એમબીબીએસ (MBBS)ના અભ્યાસ માટે એઇમ્સ (All India Institute of Medical Sciences)ની પરીક્ષા પાસ કરનારી જિલ્લાની પ્રથમ ગુજ્જર મહિલા બની છે. AIIMSમાં પ્રવેશ માટે જૂનમાં પરીક્ષા લેવામાં આવી હતી. ગુજ્જર યુવતી ઇર્મિન શમીમ ભારત-પાકિસ્તાન સરહદ નજીક આવેલા રાજૌરી જિલ્લાના ધનોર ગામમાં રહે છે. એઇમ્સમાં પ્રવેશ મેળવવા માટે ઇર્મિને તમામ મુશ્કેલીનો મજબૂત ઇરાદા સાથે સામનો કર્યો હતો.


પોતાના ઘરની નજીક કોઈ સારી સ્કૂલ ન હોવાથી શમીમે દરરોજ અભ્યાસ માટે 10 કિલોમીટર ચાલીને જવું પડતું હતું. શમીમના પરિવારની સ્થિતિ સારી ન હતી, તેમજ તેણી પછાત જાતિમાંથી આવે છે. જોકે, શમીમે મનોમન આ તમામ મુશ્કેલીઓ વચ્ચે પણ અભ્યાસમાં સારું પ્રદર્શન કરવાની નેમ લીધી હતી.


ન્યૂઝ એજન્સી એએનઆઈ સાથે વાતચીતમાં શમીમે જણાવ્યું હતું કે,"દરેકને પોતાના જીવનમાં કોઈને કોઈ સમસ્યા હોય છે. જો તમે મુશ્કેલી સામે લડી શકો તો સફળતા તમારા હાથમાં જ છે." શમીમને એઇમ્સમાં પ્રવેશ મળ્યો હોવાથી તેના માતાપિતા ખૂબ ખુશ છે. શમીમના માતાપિતાની ઇચ્છા છે કે તેણી ખૂબ સારી ડોક્ટર બને અને જમ્મુ અને કાશ્મીરના લોકોની સેવા કરે.


ન્યૂઝ એજન્સી સાથે વાતચીતમાં શમીમના કાકા લિયાકત ચૌધરીએ જણાવ્યું કે જમ્મુ અને કાશ્મીરની છોકરીઓએ દરેક ક્ષેત્રમાં તેમજ દેશ અને વિદેશમાં હરણફાળ ભરી છે."


AIIMSની પ્રવેશ પરીક્ષા પાસ કર્યા બાદ ડિસ્ટ્રિક્ટ ડેવલપમેન્ટ કમિશ્નર અજીઝ અસદે શમીમની સફળતાની પ્રશંસા કરી હતી તેમજ તેને શક્ય તમામ મદદ કરવાની ખાતરી આપી છે.