

નવી દિલ્હી : ફ્રાંસ (France)થી પાંચ રાફેલ જેટ (Rafale Jets) ભારત આવવા માટે સોમવારે નીકળી ગયા છે. પાંચેય જેટ બુધવારે હરિયાણાના અંબાલા એરબેઝ (Ambalia Airbase) ખાતે આવી પહોંચશે. આ દરમિયાન ફ્રાંસ ખાતેની ભારતી એમ્બેસી (India Embassy at France) તરફથી રાફેલની સુંદર તસવીરો પોસ્ટ કરવામાં આવી છે. આ તસવીરોમાં જોઈ શકાય છે કે 30 હજાર ફૂટની ઊંચાઈએ હવામાં જ રાફેલ જેટમાં ફ્યૂઅલ (Mid Air Refuelling) ભરવામાં આવી રહ્યું છે. બીજી તરફ અંબાલા એરબેઝ ખાતે રાફેલના સ્વાગત માટે તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. રાફેલના આવવાથી ઇન્ડિયન એરફોર્સ (Indian Air Force)ની તાકાતમાં વધારો થશે.


હરકીરતસિંહ રાફેલના પ્રથમ કમાન્ડિંગ ઑફિસર હશે : સૂત્રોના જણાવ્યા પ્રમાણે રાફેલ સ્ક્વૉડ્રનના પ્રથમ કમાન્ડિંગ ઑફિસર ગ્રુપ કેપ્ટન હરકીરતસિંહ હશે. ગ્રુપ કેપ્ટન હરકીરતસિંહ ભારતના એવા પાયલટમાં સામેલ છે, જેઓ ફ્રાંસમાંથી રાફેલને ઉડાવીને ભારત લાવી રહ્યા છે. હરકીરતસિંહ મિગ અને સુખોઈ વિમાન ઉડાવી ચૂક્યા છે. વર્ષ 2009માં ગ્રુપ કેપ્ટન હરકીરતસિંહને બહાદુરી માટે શૌર્ય ચક્રથી સન્માનિત કરવામાં આવ્યા હતા.


હરકીરતસિંહે મિગ 21માં આવેલી ટેક્નિકલ ખામી છતાં બહાદૂરીપૂર્વક પોતાને બચાવવાની સાથે સાથે મિગ-21ને પણ વધારે નુકસાન થવા દીધું ન હતું. રાફેલ માટે હાલ 15 થી 17 જેટલા પાયલટને સંપૂર્ણ રીતે તૈયાર કરવામાં આવ્યા છે. એવા પણ સમાચાર છે કે અંબાલા પહોંચ્યાના એક અઠવાડિયામાં રાફેલને ઑપરેશન માટે તૈનાત કરી દેવામાં આવશે. 17 સ્ક્વૉડ્રનના 18 રાફેલ ફાઇટર માટે 30મી આસપાસ પાયલટ તૈનાત કરવામાં આવશે. 150 થી 200 જેટલા ગ્રાઉન્ડ સ્ટાફને રાફેલ સ્ક્વૉડ્રનની સારસંભાળ માટે તૈયાર કરવામાં આવ્યા છે.


નોંધનીય છે કે રાફેલને અંબાલા એરફોર્સ સ્ટેશન (Ambala Air Force Station) પર તૈનાત કરવામાં આવશે. એવામાં ઘણા લોકોને એ વિચાર આવતો હશે કે ભારતીય વાયુસેના (Indian Air Force) અંબાલા એરફોર્સ સ્ટેશનને નવા ફાઇટર જેટના બૉસ કહેવાતા રાફેલનું ઘર કેમ બનાવી રહ્યું છે. અમે આપને જણાવી દઈએ કે અંબાલા (Ambala) જ એ સ્થળ છે જ્યાંથી દેશના ઈતિહાસની અનેક મોટા યુદ્ધ લડવામાં આવ્યા અને દેશે જીતનો જયઘોષ કર્યો હતો. (ફાઇલ તસવીર)


અંબાલા એરફોર્સ સ્ટેશન ભારતીય વાયુસેનાના પશ્ચિમ એર કમાન્ડ હેઠળ આવે છે. વાત 1965ના યુદ્ધની હોય કે પછી 1971ના યુદ્ધની. કારગિલ પર પાકિસ્તાન તરફથી રચવામાં આવેલું કાવતરું હોય કે પછી બાલાકોટ એરસ્ટ્રાઇક. જ્યારે પણ દુશ્મનોએ ભારત તરફ આંખ ઊભી કરી છે ત્યારે-ત્યારે અંબાલા એરફોર્સ સ્ટેશનથી ઉડેલા ફાઇટર પ્લેનોએ દુશ્મનોને ધૂળ ચાટતા કરી દીધા છે. (ફાઇલ તસવીર)