નવી દિલ્હી : છેલ્લા 24 કલાકમાં દેશભરમાં (Corona new case in India) કોરોના વાયરસના (Coronavirus in India) કુલ 3 લાખ 33 હજાર, 533 નવા કેસ નોંધાયા છે. આ સાથે દેશમાં અત્યાર સુધીમાં કોવિડ (Covid 19) સંક્રમિતોની કુલ સંખ્યા વધીને 3 કરોડ 92 લાખ, 37 હજાર 264 થઈ ગઈ છે. છેલ્લા 24 કલાકમાં દેશભરમાં કોવિડના કારણે કુલ 525 લોકોના મોત પણ થયા છે. દેશમાં કોવિડના કારણે અત્યાર સુધીમાં કુલ 4 લાખ 89 હજાર 409 લોકોના મોત થયા છે. આજના આંકડામાં કેરળના 62 કેસ પણ બેકલોગના આંકડા તરીકે ઉમેરવામાં આવ્યા છે.
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના ડેટા અનુસાર, દેશભરમાં સક્રિય કેસની કુલ સંખ્યા વધીને 21,87,205 થઈ ગઈ છે. સક્રિય કેસ કુલ સંક્રમણના 5.57 ટકા થઈ ગયા છે. હાલમાં દેશમાં રિકવરી રેટ ઘટીને 93.18 ટકા પર આવી ગયો છે. જોકે, છેલ્લા 24 કલાકમાં દેશભરમાં કુલ 2 લાખ 59 હજાર 168 દર્દીઓ સાજા થયા છે, જે નવા દર્દીઓની સંખ્યા કરતા ઓછા છે. દેશભરમાં અત્યાર સુધીમાં કુલ 3 કરોડ, 65 લાખ, 60 હજાર, 650 લોકોએ આ મહામારીને માત આપી છે.
દેશમાં કોરોનાના કેસ આંશિક રીતે ઘટવા છતાં દિલ્હી અને મહારાષ્ટ્ર જેવા રાજ્યોમાં મોતનું પ્રમાણ વધ્યું છે. દિલ્હીમાં શનિવારે કોરોનાથી 45 દર્દીઓનાં મોત નીપજ્યાં હતા, જે ગયા વર્ષે 5મી જૂન પછી એક દિવસમાં નોંધાયેલા સૌથી વધુ મોત છે. જોકે, દિલ્હીમાં કોરોનાના કેસ આંશિક રીતે ઘટીને 11,486 નોંધાયા હતા. એ જ રીતે મહારાષ્ટ્રમાં કોરોનાના નવા46,000 કેસ નોંધાયા હતા અને વધુ 48નાં મોત થયા હતા. દેશમાં એક્ટિવ કેસ પણ વધીને 21.75 લાખ થયા હતા.
એક ખાનગી હોસ્પિટલના અભ્યાસમાં જણાવાયું છે કે, દેશમાં ત્રીજી લહેરમાં માર્યા ગયેલા કોરોનાના 60 ટકા દર્દીઓએ રસી લીધી ન હતી. આ અભ્યાસે રસીના મહત્વ પર ભાર મૂક્યો હતો. એક ખાનગી હોસ્પિટલના અભ્યાસમાં જણાવાયું હતું કે, દેશમાં કોરોનાની ત્રીજી લહેરમાં માર્યા ગયેલા મોટાભાગના દર્દીઓ 70 વર્ષથી વધુ વયના હતા. આ દર્દીઓ પહેલાથી જ કિડની, હૃદય રોગ, ડાયાબિટીસ, કેન્સર જેવી બીમારીઓથી પીડિત હતા.