નવી દિલ્હીઃ ભારતીય હવામાન વિભાગે આ વર્ષે ચોમાસું સામાન્ય રહેવાની સંભાવનાઓ વ્યક્ત કરી છે, અલ નીનો કન્ડિશન રહેવાની સંભાવનાઓ પણ વ્યક્ત કરવામાં આવી રહી છે. જૂનથી સપ્ટેમ્બર સુધીમાં 96% વરસાદ રહેવાની શક્યતાઓ પણ વ્યક્ત કરવામાં આવી છે. જોકે, તેમાં 4% ઉપર-નીચે થવાની શક્યતાઓ પણ વ્યક્ત કરાઈ છે. પાછલા 50 વર્ષના આંકડા પ્રમાણે 96થી 104% વચ્ચેનો વરસાદ સામાન્ય માનવામાં આવે છે. ભારતમાં જૂન મહિનામાં ચોમાસાની શરુઆત થતી હોય છે અને ચાર મહિનામાં સરેરાશ 87 સેન્ટિમીટર વરસાદ રહેતો હોય છે. (સૌજન્યઃ ભારતીય હવામાન વિભાગ)
હવામાન વિભાગે સામાન્ય વરસાદની શક્યતાઓ વ્યક્ત કરી છે પરંતુ આ સાથે એમ પણ જણાવવામાં આવ્યું છે કે, ઉત્તર પશ્ચિમમાં વરસાદ સામાન્ય કરતા નીચે રહેવાની શક્યતાઓ છે. જ્યારે દેશના અન્ય ભાગો જેવા કે ઉત્તરપૂર્વ ભારત, મધ્ય ભારત અને દક્ષિણ દ્વીપકલ્પ ભારતમાં સામાન્ય 94થી 106% વરસાદ રહેવાની શક્યતાઓ વ્યક્ત કરાઈ છે. (ફાઈલ તસવીર)
બીજી તરફ અલનીનોને પ્રબળ સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે, ચોમાસાની સીઝન દરમિયાન અલનીનો કન્ડિશનનું નિર્માણ થતું હોય છે. જોકે, હવામાન વિભાગ જણાવે છે કે અલનીનો અને ચોમાસાનો એક બીજા સાથે સીધો સંબંધ હોતો નથી. અલનીનો એક હવામાનમાં થતા ફેરફારના કારણે નિર્માણ પામે છે. જેનું નિર્માણ પશ્ચિમી ટ્રોપિકલ પેસિફિક સમુદ્રમાં થાય છે. (ફાઈલ તસવીર)
જોકે, ગુજરાતમાં ચોમાસું સામાન્ય કરતા નબળું રહેવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે. જે ખેડૂતો માટે ચિંતાનો વિષય છે. ગુજરાત સહિત દેશના ઉત્તરપશ્ચિમ ભાગમાં પણ વરસાદ સામાન્ય કરતા નબળો રહેવાની શક્યતાઓ હવામાન વિભાગે વ્યક્ત કરી છે. દેશના ચાર ભાગમાં ચોમાસાની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવતી હોય છે જેમાં ગુજરાત મધ્ય ભાગમાં આવે છે અને અહીં મધ્યપ્રદેશ, ઓડિશા સહિતના ભાગોનો પણ સમાવેશ થાય છે અને જ્યાં સામાન્ય કરતા નીચો વરસાદ થવાની સંભાવના છે.