કોરોના અપડેટ: દેશમાં છેલ્લા 24 કલાકમાં ફક્ત બે રાજ્યમાં એક હજારથી વધુ કેસ નોંધાયા
Corona India Updates: અમેરિકામાં ત્રણ લાખથી વધારે નવા કેસ, યુકેમાં 68 હજાર નવા કેસ નોંધાયા. યુકેમાં એક દિવસમાં 1.3 હજાર મોત. અમેરિકા, યુકે, જર્મની, બ્રાઝિલ અને મેક્સિકોમાં 24 કલાકમાં એક હજારથી વધારે મોત નોંધાયા.


નવી દિલ્હી: કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય (Union Health Ministry) તરફથી શનિવારે જાહેર કરેલા આંકડા પ્રમાણે દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસ (Coronavirus)ના નવા 18,222 કેસ નોંધાયા છે. આ સાથે દેશમાં 19,253 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. દેશમાં છેલ્લા 24 કલાકમાં ફક્ત બે રાજ્યમાં એક હજારથી વધારે કેસ નોંધાયા છે. મંત્રાલય તરફથી જાહેર કરવામાં આવેલા આંકડા પ્રમાણે 24 કલાકમાં દેશમાં કોરોનાથી 228 લોકોનાં મોત થયા છે. આ સાથે દેશમાં કોરોનાના કુલ કેસની સંખ્યા 1,04,31,639 થઈ છે. હાલ દેશમાં 2,24,190 સક્રિય કેસ છે. અત્યારસુધી કુલ 1,00,56,651 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. આ સાથે દેશનો કુલ મૃત્યાંક 1,50,798 થયો છે.


આજની હાઇલાઇટ્સ: કેરળ અને મહારાષ્ટ્ર એવા રાજ્ય છે જ્યાં 24 કલાકમાં 1 હજારથી વધારે કેસ નોંધાયા છે. કેરળમાં 5.1 હજાર અને મહારાષ્ટ્રમાં 3.7 હજાર નવા કેસ નોંધાયા છે. છત્તીસગઢમાં 926 નવા કેસ નોંધાયા છે. છેલ્લા 24 કલાકમાં મહારાષ્ટ્રમાં કોરોનાથી 73, કેરળમાં 23 અને પશ્ચિમ બંગાળમાં 21 લોકોનાં મોત થયા છે. છેલ્લા 15 દિવસમાં સૌથી ઓછા મોત આજે નોંધાયા છે. છેલ્લા 24 કલાકમાં વિશ્વમાં કોરોનાના 8.26 લાખ કેસ નોંધાયા છે. અમેરિકામાં ત્રણ લાખથી વધારે નવા કેસ અને યુકેમાં 68 હજાર નવા કેસ નોંધાયા છે. યુકેમાં એક દિવસમાં 1.3 હજાર મોત થયા છે. અમેરિકા, યુકે, જર્મની, બ્રાઝિલ અને મેક્સિકોમાં છેલ્લા 24 કલાકમાં એક હજારથી વધારે મોત નોંધાયા છે.


ICMR તરફથી જાહેર કરવામાં આવેલા આંકડા પ્રમાણે 8મી જાન્યુઆરીના રોજ દેશમાં 9,16,951 સેમ્પલ તપાસવામાં આવ્યા હતા. આ સાથે જ દેશમાં અત્યારસુધી કુલ 18,02,53,315 સેમ્પલની તપાસ કરવામાં આવી છે.


ગુજરાતમાં શુક્રવારે 685 કેસ નોંધાયા: શુક્રવારે જાહેર કરવામાં આવેલા આંકડા પ્રમાણે રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના (Coronavirus)નવા 685 કેસ નોંધાયા છે. જેની સામે 892 દર્દીઓ સાજા થયા છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોવિડ-19 (Covid19)ના કારણે 3 દર્દીનાં મોત થયા છે. આ સાથે રાજ્યમાં કુલ મૃત્યુઆંક 4,335 થયો છે. રાજ્યમાં કુલ 1,00,53,558 ટેસ્ટ થયા છે. રાજ્યમાં સાજા થવાનો દર 95.02 ટકા છે.


આરોગ્ય વિભાગે આપેલી વિગતો પ્રમાણે રાજ્યમાં નવા નોંધાયેલા કેસમાં અમદાવાદમાં 134, સુરતમાં 126, વડોદરામાં 117, રાજકોટમાં 79, જૂનાગઢમાં 20, કચ્છમાં 18, ગાંધીનગર, જામનગર, મહેસાણામાં 16-16, આણંદમાં 14, દાહોદમાં 13, ભરૂચમાં 12, સાબરકાંઠામાં 10 સહિત કુલ 685 કેસ નોંધાયા છે. 24 કલાકમાં રાજ્યમાં કોરોનાના કારણે 3 દર્દીનાં મોત થયા છે. અમદાવાદમાં બે અને તાપીમાં એક દર્દીનું નિધન થયું છે.


બીજી તરફ અમદાવાદમાં 170, સુરતમાં 171, વડોદરામાં 209, રાજકોટમાં 101, જૂનાગઢમાં 36, ગાંધીનગરમાં 23, કચ્છ, સુરેન્દ્રનગરમાં 19-19, મહેસાણા, પંચમહાલમાં 15-15 સહિત 892 દર્દીઓએ કોરોના વાયરસને મ્હાત આપી છે. હાલ રાજ્યમાં કુલ 8,149 દર્દીઓ એક્ટિવ પેશન્ટ તરીકે દાખલ છે, જેમાં 61 દર્દી વેન્ટીલેટર પર છે, જ્યારે 8,088 દર્દી સ્ટેબલ છે.