નવી દિલ્હીઃ કોરોના વાયરસ (Coronavirus)ના સંક્રમણને રોકવા માટે દેશભરમાં 68 દિવસનું લૉકડાઉન લાગુ થયું હતું. પરંતુ દેશની અર્થવ્યવસ્થા (Indian Economy)ને પાટા પર લાવવા માટે જૂનના પહેલા સપ્તાહથી અનલૉક (Unlock)ની પ્રક્રિયા શરૂ કરવામાં આવી. છેલ્લા બે મહિના દરમિયાન સરકારે અનલૉક-1 (Unlock-1) અને અનલૉક-2 (Unlock-2)માં ભારે છૂટ આપી છે. પહેલાની જેમ અનેક કામ ફરીથી શરૂ થઈ ચૂક્યા છે.
નહીં ખુલે સ્કૂલ-કૉલેજ! - અંગ્રેજી અખબાર હિન્દુસ્તાન ટાઇમ્સ મુજબ, સરકારી સ્કૂલોને ફરીથી ખોલવા અંગે વિચાર કરી રહી હતી. પરંતુ અંતિમ ઘડીએ નરેન્દ્ર મોદીની સરકારે મન બદલી દીધું. અખબારે સૂત્રોના હવાલથી દાવો કર્યો છે કે સ્કૂલ અને કોલેજને હાલ ખોલવાની મંજૂરી નહીં આપવામાં આવે. આ ઉપરાંત એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે મેટ્રો પણ હાલ નહીં દોડે. સાથોસાથ જિમ અને સ્વિમિંગ પૂલ ખોલવાની મંજૂરી પણ નહીં આપવામાં આવે.
દેશભરમાં તમામ સ્કૂલો માર્ચ મહિનાથી બંધ છે. આ સપ્તાહે માનવ સંસાધન વિકાસ મંત્રાલયે સ્કૂલોને ફરીથી ખોલવાને લઈ રાજ્યો સાથે ચર્ચા કરી. આ બેઠક સ્કૂલ શિક્ષણ સચિવ અનિતા કરવાલની અધ્યક્ષતામાં થઈ. બેઠકમાં રાજ્ય શિક્ષણ સચિવોએ સ્ટુડન્ટ્સના સ્વાસ્થ્ય અને સુરક્ષા, સ્કૂલોમાં સ્વચ્છતા ઉપાયો અને ઓનલાઇન અને ડિજિટલ શિક્ષણના મુદ્દાઓ પર ચર્ચા-વિચારણા કરી.
માતા-પિતા સ્કૂલ ખોલવાના પક્ષમાં નથી - શિક્ષણ મંત્રી રમેશ પોરિયાલે જૂનમાં કહ્યું હતું કે સ્કૂલ ખોલવાને લઈ બાળકોના માતા-પિતાની સલાહ લેવામાં આવી અને તેના આધારે માનવ સંસાધન વિકાસ મંત્રાલયને રિપોર્ટ આપવામાં આવ્યો. અખબાર મુજબ, હવે મંત્રાલયે મીટિંગ દરમિયાન કહ્યું કે બાળકોના માતા-પિતા કોરોનાને લઈ ચિંતિત છે અને તેઓ નથી ઈચ્છતા કે હાલ સ્કૂલ ખુલે.
મેટ્રો ટ્રેન પણ નહીં દોડે - પહેલા એવી આશા રાખવામાં આવી હતી કે દિલ્હી, કોલકાતા અને બેંગલુરમાં મેટ્રો ટ્રેનની સેવા શરૂ થઈ શકે છે. પરંતુ સૂત્રો મુજબ, સરકાર હાલ મેટ્રો ટ્રેન દોડાડવાની મંજૂરી નહીં આપે. મુંબઈમાં લોકલ ટ્રેન 15 જૂનથી દોડી રહી છે, પરંતુ તેમાં માત્ર આવશ્યક સેવા સાથે જોડાયેલા લોકો જ હાલ તેમાં જઈ શકે છે.