નવી દિલ્હીઃ દેશમાં આ વર્ષે હવામાનનો એકદમ અલગ પ્રકારનો મિજાજ જોવા મળી રહ્યો છે. જાન્યુઆરી-ફેબ્રુઆરીમાં સામાન્ય રીતે દેશના જે ભાગોમાં વધુ વરસાદ જોવા મળતો હોય છે, ત્યાં વરસાદ થયો નહીં અને વધુ તાપમાને રેકોર્ડ તોડ્યો હતો. બીજી તરફ માર્ચ મહિનામાં સતત વરસાદે લોકોને ફરી ઠંડીનો અહેસાસ કરાવ્યો હતો. આ રીતે દેશમાં ગુજરાત સહિત અલગ-અલગ ભાગોમાં થઈ રહેલા વરસાદના કારણે વર્ષો 73 વર્ષ જૂનો રેકોર્ડ તૂટી ગયો છે. હવામાન વિભાગે આ પાછળનું કારણ જણાવ્યું છે.
દેશની રાજધાની દિલ્હીમાં ફેબ્રુઆરીમાં આખા મહિના દરમિયાન અને પછી ફેબ્રુઆરીની શરુઆતમાં અઠવાડિયું ગરમ રહ્યું હતું, જ્યારે અંતિમ બે અઠવાડિયા તાપમાન સામાન્ય કરતા નીચું નોંધાયું હતું. માર્ચના શરુઆતના બે અઠવાડિયા તાપમાન સામાન્ય કરતા 2.1 ડિગ્રી સેલ્સિયસ વધુ નોંધાયું હતું. જ્યારે અંતિમ બે સપ્તાહમાં સામાન્યથી 2.8 ડિગ્રી નીચું તાપમાન નોંધાયું હતું.
73 વર્ષનો રેકોર્ડ તૂટી ગયોઃ હવામાન વિભાગના આંકડા પ્રમાણે દેશની રાજધાની દિલ્હીમાં માર્ચ મહિનામાં સરેરાશ કરતા મહત્તમ તાપમાન 0.31 ડિગ્રી સેલ્સિયસ નીચું રહ્યું હતું. દિલ્હીમાં 34મી વખત માર્ચમાં આટલું ઓછું તાપમાન નોંધાયું છે, જ્યારે માર્ચના અંતિમ બે અઠવાડિયામાં તાપમાને 73 વર્ષનો રેકોર્ડ તોડી નાખ્યો છે. જે પાછલા 73 વર્ષના સૌથી ઠંડી અઠવાડિયામાં આવી ગયા છે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે 29 માર્ચ સુધી સરેરાશ મહત્તમ તાપમાન 30.5 ડિગ્રી રહ્યું હતું. આ રીતે વર્ષ 1951 પછી આ પહેલીવાર બન્યું છે કે માર્ચમાં આટલું નીચું તાપમાન નોંધાયું હોય.
હવામાન વિભાગ સાથે જોડાયેલા વૈજ્ઞાનિકે આ પાછળનું કારણ જણાવતા કહ્યું છે કે, "તાપમાનમાં આ સામાન્ય ઘટાડો એક સાથે બે પશ્ચિમ વિક્ષોભ (વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ)ના કારણે થયો છે. આ દરમિયાન અપર સર્ક્યુલેશનમાં 120થી 200 કિલોમીટરની ગતિથી પવન બંગાળની ખાડી અને અરબી સમુદ્રથી ભેજનું પ્રમાણ વધાર્યું. આ કારણે માર્ચમાં દેશના ઘણાં ભાગોમાં કમોસમી વરસાદ થયો, જેના કારણે ગરમીનું પ્રમાણ ઘટ્યું."
આ બધાની વચ્ચે રાજસ્થાન તરફ વધુ એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય છે, જેના કારણે ગુજરાત સહિતના ભાગોમાં તાપમાન સામાન્ય કરતા નીચું નોંધાઈ રહ્યું છે. આજે પણ દેશના ઉત્તર ભાગમાં વીજળીના કડાકા-ભડાકા સાથે વરસાદ થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. કમોસમી વરસાદના કારણે ખેડૂતોને ભારે હાડમારી વેઠવાનો વારો આવ્યો છે. ઘણું, કપાસ, રાયડા સહિત કેરી જેવા બાગાયતી પાકોને પણ નુકસાન થયું છે.