નવી દિલ્હીઃ દિલ્હીમાં એક હચમચાવી દેનારી ઘટના બની છે, ભોગલમાં બનેલી ઘટનામાં બે ગનમેન દ્વારા ખુલ્લેઆમ ફાયરિંગ કરવામાં આવ્યું હતું. જેમાં તેઓ નિશાન ચૂકી જતા ગોળી બે રાહદારીઓને વાગી ગઈ હતી. બુધવારે બપોરે આ ઘટના બની હતી. ફાયરિંગમાં ઘાયલ થયેલા બે લોકોની તબિયત સ્થિર છે અને તેમને સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. આ ઘટનામાં હજુ સુધી કોઈની ધરપકડ થઈ નથી.
ટાઈમ્સ ઓફ ઈન્ડિયાના રિપોર્ટ્સ મુજબ ઘાયલ થયેલી એક વ્યક્તિ 24 વર્ષનો નીરજ નામનો રિક્ષાચાલક છે, જ્યારે અન્ય 18 વર્ષનો કામદાર મોહમ્મદ ગુલઝાર છે. પોલીસને આ ઘટના અંગે બુધવારે બપોરે 1.40 વાગ્યે ભોગલ માર્કેટમાં ફાયરિંગ થયાની માહિતી મળી હતી. સ્થાનિક પોલીસ ઘટના સ્થળ પર પહોંચીને તપાસ કરી તો માહિતી મળી કે બે યુવકો દ્વારા ફાયરિંગ કરવામાં આવ્યું હતું અને તેઓ પોતાનો નિશાનો ચૂકી જતા અન્ય બે વ્યક્તિઓ ઘાયલ થઈ ગઈ હતી. ઘાયલ થયેલા બન્ને લોકોને AIIMS ટ્રોમા સેન્ટરમાં દાખલ કરવામાં આવ્યા છે.
ફાયરિંગ કરનારા શખ્સો બાઈક લઈને આવ્યા હતા અને તેમણે હેલમેટ નહોતા પહેર્યા. આ ફાયરિંગ હત્યા કેસમાં કરવામાં આવ્યું હોવાની શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. નિખિલ નામના યુવકે જણાવ્યું કે નીરજ અને તેનો અન્ય મિત્ર બેંકમાં આવ્યા હતા પરંતુ મશિન કામ ના કરતું હોવાથી તેઓ ચાના સ્ટોલ પર ગયા હતા. જ્યારે નીરજ અને તેના મિત્રો બેઠા હતા ત્યારે બે લોકો આવ્યા અને ફાયરિંગ કરવા લાગ્યા હતા.