

નવી દિલ્હી : પૂર્વ આઈપીએસ અધિકારી અને મુંબઈ પોલીસના કમિશ્નર રહી ચૂકેલા રાકેશ મારિયા (Rakesh Maria)ની આત્મકથા (Autobiography) રિલીઝ થતાં પહેલાં જ ચર્ચામાં આવી છે. રાકેશ મારિયાએ પોતાની આત્મકથા લેટ મી સે ઇટ નાઉ (Let Me Say It Now)માં મુંબઈમાં 26/11ના આતંકી હુમલામાં એકમાત્ર જીવતા પકડાયેલા આતંકવાદી અજમલ કસાબ (Ajmal Kasab) વિશે મોટો ખુલાસો કર્યો છે.


26/11 હુમલાને હિન્દુ આતંકવાદનું રૂપ આપવા માંગતું હતું આઈએસઆઈ : રાકેશ મારિયાએ પોતાના પુસ્તકમાં દાવો કર્યો છે કે પાકિસ્તાનની ઇન્ટેલિજન્સ એજન્સી આઈએસઆઈએ 26/11 હુમલાને હિન્દુ આતંકવાદ તરફ ઢાળવાનો પ્રયાસ કર્યો હતો. 11 હુમાખોરને હિન્દુ પુરવાર કરવા માટે તેમની સાથે નકલી આઈડી કાર્ડ મોકલવામાં આવ્યા હતા. કસાબની પાસે પણ એક આવું જ આઈકાર્ડ મળ્યું હતું, જેની પર સમીર ચૌધરી લખેલું હતું.


દાઉદના ગેંગને મળી હતી કસાબની સોપારી : મારિયાએ પોતાના પુસ્તકમાં દાવો કર્યો કે મુંબઈ પોલીસ આતંકવાદી કસાબની તસવીર જાહેર નહોતું કરવા માંગતું. પોલીસે તમામ પ્રયાસ કર્યા હતા કે આતંકવાદીની વિગતો મીડિયામાં લીક ન થાય. નિવૃત્ત આઈપીએસ અધિકારીનો એવો પણ દાવો છે કે અંડરવર્લ્ડ ડૉન દાઉદ ઈબ્રાહિમ (Dawood Ibrahim)ના ગેંગને કસાબને મારવાની સોપારી મળી હતી.


આ દરમિયાન રાકેશ મારિયા મુંબઈ પોલીસ કમિશ્નર હતા. મારિયાએ પોતાના પુસ્તકમાં લખ્યું છે કે, દુશ્મન (કસાબ)ને જીવતો રાખવો મારી પહેલી પ્રાથમિકતા હતી. આ આતંકવાદીની વિરુદ્ધ લોકોના આક્રોશ અને ગુસ્સો ચરમ પર હતો. મુંબઈ પોલીસ વિભાગના અધિકારી પણ આક્રોશિત હતા. પાકિસ્તાનની ઇન્ટેલિજન્સ એજન્સી આઈએસઆઈ અને આતંકી સંગઠન લશ્કર-એ-તૈયબા કસાબને કોઈ પણ હિસાબે રસ્તેથી હટાવવાના માંગતા હતા, કારણ કે કસાબ મુંબઈ હુમલાનો સૌથી મોટો અને એકમાત્ર પુરાવો હતો.


કસાબને ક્યારે ફાંસી આપવામાં આવી હતી? - નોંધનીય છે કે, 26 નવેમ્બર 2008ના રોજ મુંબઈમાં 10 આતંકવાદીઓએ ત્રણ સ્થળે હુમલો કર્યો હતો. આ હુમલામાં 166 લોકો માર્યા ગયા અને હજારો લોકો ઘાયલ થયા હતા. આ હુમલાખોરોમાં એકમાત્ર અજમલ કસાબ જીવતો પકડાયો હતો. કસાબને 21 નવેમ્બર 2012ના રોજ પુણેની યરવડા જેલમાં ફાંસી આપવામાં આવી હતી.


શીના બોરા હત્યાકાંડને લઈને પણ કર્યો ખુલાસો : મુંબઈના પૂર્વ પોલીસ કમિશ્નર રાકેશ મારિયાએ શીના બોરા હત્યાકાંડ (Sheena Bora Murder case) વિશે પણ અનેક નવા ખુલાસા કર્યા છે. મૂળે આ હાઇપ્રોફાઇલ હત્યા કેસની તપાસ મારિયા જ કરી રહ્યા હતા. તે દરમિયાન તેમની ટ્રાન્સફર કરી દેવામાં આવી હતી. ત્યારથી જ આ મામલા વિશે કોઈ વાત કરવા તૈયાર નહોતું. ટ્રાન્સફરનું મુખ્ય કારણ હતું તેમની પર લાગેલા આરોપ. તેમની પર આરોપ હતો કે તેઓએ પીટર મુખર્જીને બચાવવાનો પ્રયાસ કર્યો છે.


પીટર મુખર્જી (Peter Mukerjea) પર આરોપ છે કે તેણે ઈન્દ્રાણી મુખર્જી અને ઈન્દ્રાણીના પહેલા પતિ સંજીવ ખન્નાની સાથે મળી શીના બોરા હત્યાકાંડનું કાવતરું ઘડ્યું હતું. 24 વર્ષીય શીના ઈન્દ્રાણીની દીકરી હતી, જેની 24 એપ્રિલ 2012ના રોજ હત્યા કરવામાં આવી હતી. રાકેશે મૌન તોડતાં પોતાના પુસ્તકમાં કેસ વિશે ઘણો વિસ્તારથી ઉલ્લેખ કર્યો છે. રાકેશ મારિયા આ મામલે ઘણા સક્રિય હતા.