

થિરુવનંતપુરમ : કેરળમાં ગર્ભવતી હાથણી સાથે બર્બરતાની ઘટનાના થોડાક દિવસો પછી હવે કુતરાની સાથે બર્બરતા જોવા મળી છે. કેરળના ત્રિશુરમાં એક કુતરાના મોં પર કોઈકે ટેપ બાંધી દીધી હતી. ત્રિશુર જિલ્લામાં પીપલ ફૉર એનિમલ વેલફેર સર્વિસિઝના (PAWS) કાર્યકર્તાઓએ આ કુતરાને બચાવ્યો છે, જેના મોં પર ટેપ બાંધી દીધી હતી. ટેપ બાંધવાને કારણે કુતરાના મોં પર ઉંડો ઘા થઈ ગયો હતો.


મીડિયાના રિપોર્ટ મુજબ બે અઠવાડિયા પહેલા પીપુલ ફૉર એનિમલ વેલફેર સર્વિસિઝને ત્રિશુર ટીમને ફોન કોલ દ્વારા એક કુતરાને મોં પર ચારે બાજુ ઘા હોવાની સૂચના મળી હતી, જે ઓલ્લુર વિસ્તારમાં ફરી રહ્યો હતો. કુતરાની માહિતી મળતા વેલફેરના લોકો તરફથી ઘણા દિવસ શોધ્યા પછી કુતરો મળ્યો હતો. કુતરાની હાલત મોં પર ટેપ બાંધવાને કારણે ગંભીર બની ગઈ હતી. મોં પરથી ટેપ નીકાળ્યા પછી કુતરાને પાણી પીવડાવવામાં આવ્યું તો તે 2 લીટર પાણી પી ગયો હતો.


ટેપ બાંધવાને કારણે ઘા એટલો ઉંડો થયો હતો કે નાકના હાડકા દેખાઈ રહ્યા હતા. કુતરાની ઉંમર લગભગ ત્રણ વર્ષની છે અને તેની સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. કુતરા સાથે બર્બરતાને લઈને પીએડબલ્યૂએસના સચિવ રામચંદ્રને મીડિયા સાથે વાત કરતા કહ્યું કે, કુતરો તેમને ત્રિશુરના ઓલ્લુર જંક્શન પાસે મળ્યો હતો. કુતરાને જોયો ત્યારે એવું લાગ્યું કે તેના મોં પર ટેપનું એક લેયર હશે, પરંતુ તેને ખોલવામાં આવ્યું તો ખબર પડી કે ટેપ ઘણા પરત વીંટાળેલા હતા.


તેમણે જણાવ્યુ કે, હાલ કુતરાની હાલત સ્થિર છે અને તેની સારવાર ચાલી રહી છે. ઘણા દિવસોથી કશું ખાધુ ન હોવાને કારણે કમજોર બની ગયો છે. થોડા સમય પહેલા કેરળમાં એક ગર્ભવતી હાથણીના મોતની ઘટના સામે આવી હતી. હાથણીના મોત પાછળ વિસ્ફોટક ખવડાવવો કારણ હતું. આ ઘટનાની તપાસ ચાલી રહી છે, અને જાણકારી મુજબ પોલીસે આ સંબંધમાં એક વ્યકિતની ધરપકડ પણ કરી છે.