નવી દિલ્હી : રાજધાની દિલ્હી (News Delhi)માં ધૌલાકુંવામાં ગત રાત્રે એન્કાઉન્ટર (Encounter) દરમિયાન પોલીસે એક શકમંદ આતંકી (ISIS Operative)ની ધરપકડ કરી છે. પોલીસના જણાવ્યા પ્રમાણે ધરપકડ કરવામાં આવેલો વ્યક્તિ આતંકવાદી સંગઠન ઇસ્લામિક સ્ટેટ (ISIS) સાથે સંબંધ ધરાવે છે. દિલ્હી પોલીસ જણાવ્યું કે આઈએસઆઈએસ આતંકી એક બાઇક પર સવાર હતો. સૂત્રોના જણાવ્યા પ્રમાણે આતંકી પાસેથી 15 કિલો વિસ્ફોટક મળ્યું છે. જોકે, પોલીસનું કહેવું છે કે તેની પાસેથી પ્રેશર કૂકરથી બનેલો IED બોમ્બ મળ્યો છે, જેના વજન અંગે હાલ કોઈ જાણકારી નથી. તપાસ બાદ આ વાત સ્પષ્ટ થશે.
ધરપકડ કરવામાં આવેલા આતંકીની ઉત્તર પ્રદેશ પોલીસ પણ પૂછપરછ કરી શકે છે. આતંકી યુસૂફે જણાવ્યું કે રામ જન્મભૂમિ પૂજન બાદ દેશના અલગ અલગ રાજ્યમાં બોમ્બ બ્લાસ્ટ કરવાની યોજના હતી. આ હુમલા સાથે જ ISIS દુનિયામાં ડર ફેલાવવા માંગતું હતું. આતંકીએ જણાવ્યું કે મંદિર ભૂમિ પૂજનના એક મહિનામાં જ બ્લાસ્ટની યોજના હતી.
પ્રથમ વખત ISISનો આતંકી હથિયાર સાથે ઝડપાયો : નોંધનીય છે કે દેશમાં ISIS મોડ્યૂલનો કોઈ આતંકી પ્રથમ વખત IED અને બીજા હથિયાર સાથે ઝડપાયો છે. ISISના મૉડ્યૂલમાં દક્ષિણ ભારતનું કેરળ મોડલ ખૂબ જ સક્રિય છે. આ સાથે જોડાયેલા અનેક કેસની તપાસ NIA કરી રહી છે. ખાસ કરીને કાસરગોડના અનેક લોકો ISISમાં જોડાયા બાદ અફઘાનિસ્તાન જતા રહ્યા છે. અફઘાનિસ્તાનમાં તાજેતરમાં એક ગુરુદ્વારા અને જેલ પર થયેલા હુમલામાં કાસરગોડના આતંકીનું નામ સુસાઇડ બૉમ્બર તરીકે સામે આવ્યું હતું.
એન્કાઉન્ટર બાદ ધરપકડ : પ્રાપ્ત વિગત પ્રમાણે દિલ્હી પોલીસની સ્પેશિયલ સેલને બાતમી મળી હતી કે ધૌલાકુંવા પાસે એક આતંકવાદી દિલ્હીને હચમચાવી દેવાના ઇરાદા સાથે ફરી રહ્યો છે. બાતમીના આધારે પોલીસની ટીમ ધૌલાકુંવા ખાતે સંદિગ્ધને પકડવા પહોંચી હતી. આ દરમિયાન શકમંદ આતંકીએ ફાયરિંગ કર્યું હતું. બંને તરફ થયેલા ફાયરિંગ બાદ આતંકીની ધરપકડ કરી લેવામાં આવી છે. સ્પેશિયલ સેલના ડીજીપી પ્રમોદ કુશવાહના જણાવ્યા પ્રમાણે ધરપકડ કરવામાં આવેલો વ્યક્તિ ઇસ્લામિક સ્ટેટ સાથે જોડાયેલો છે. વ્યક્તિનું નામ અબૂ યુસૂફ છે. આતંકી પાસેથી બે IED અને એક પિસ્ટલ મળી આવી છે.
ખુરાસન મોડ્યૂલ સાથે જોડાયેલો હોવાની આશંકા : નોંધનીય છે કે દિલ્હીમાંથી પકડવામાં આવેલો ISIS આતંકી ખુરાસન મોડ્યૂલ સાથે જોડાયેલો હોઈ શકે છે. 13 જુલાઇના રોજ NIAએ પુના ખાતેથી ISISની મહિલા આતંકી અને તેના મિત્રની ધરપકડ કરી હતી. સાદિયાએ ખુલાસો કર્યો હતો કે ISIS ભારતમાં મોટા આતંકી હુમલાની તૈયારીમાં છે, જેમાં દિલ્હી અને મુંબઈ શહેર સામેલ છે. સાદિયા જ ભારતમાં યુવાઓને આતંકી સંગઠને સાથે જોડાવાનું કામ કરતી હતી.