

નવી દિલ્હી : સ્પામાં અંદર અંડરગ્રાઉન્ડમાં નાનાં નાનાં રૂમ. અંદર જવા માટે બહારથી બટન દબાવો એટલે દરવાજો ખુલે. એક નજરે જોતા બધુ બરાબર લાગે પરંતુ અંડરગ્રાઉન્ડ રૂમમાં ગ્રાહકો યુવતીઓ સાથે કોઈ જ ડર વગર મોજમજા કરી શકે તેવી વ્યવસ્થા. અંદર દાખલ થતાં જ એક મેનુ મળે જેમાં અલગ અલગ સેવા માટે અલગ અલગ ભાવ લખેલા હોય. તમે જેટલા વિકલ્પ પસંદ કરી તેના પ્રમાણે ચાર્જ વસૂલ કરવામાં આવે. દિલ્હી મહિલા આયોગના અધ્યક્ષા સ્વાતિ માલીવાલ જ્યારે બુરાડી ખાતે એક સ્પામાં પહોંચ્યાં ત્યારે અંદર કંઈક આવો જ નજારો હતો.


દિલ્હી મહિલા આયોગ (Delhi Commission for Woman)ના અધ્યક્ષા સ્વામી માલીવાલ આજકાલ રાજધાની દિલ્હીના અલગ અલગ સ્પા સેન્ટરો પર દરોડાં કરી રહ્યા છે. રાજધાની દિલ્હીમાં સ્પાની આડમાં ચાલતા દેહવેપારના રેકેટનો પર્દાફાશ કરવા માટે તેમણે અભિયાન ચલાવ્યું છે. તાજેતરમાં તેઓ ક્રાઇમ બ્રાંચની ટીમને સાથે રાખીને બુરાડી સ્થિત સ્પા સેન્ટર (Spa Center) પર પહોંચી ગયા હતા.


18 પ્લસ બ્યૂટી ટેમ્પલના નામે ચાલી રહેલા સ્પા સેન્ટર ખાતે તેઓ પહોંચ્યા ત્યારે અંડગ્રાઉન્ડ રૂમમાં યુવક અને યુવતીઓ વાંધાજનક સ્થિતિમાં હતા. આ દરમિયાન પકડાયેલા યુવકોએ જણાવ્યું કે તેઓ ગ્રાહકો છે.


બુરાડીમાં આ સ્પા સેન્ટર વિશે માહિતી મળ્યા બાદ સ્વાતી માલીવાલે ક્રાઇમ બ્રાંચનો સંપર્ક સાધ્યો હતો. જે બાદમાં ડીસીડબ્લ્યૂ (DCW)ની ટીમ અને પોલીસ સાથે સ્વાતી સ્પા સેન્ટર ખાતે પહોંચી ગયા હતા. અહીં પોલીસ અને ડીસીડબ્લ્યૂનો એક અધિકારી ગ્રાહક બનીને સ્પા સેન્ટરમાં દાખલ થયો હતો. અંદર દેહવેપાર ચાલતો હોવાની ખરાઈ થયા બાદ દરોડાં કરવામાં આવ્યા હતાં.


દરોડા દરમિયાન માલુમ પડ્યું કે સ્પા સેન્ટરે પોતાની વેબસાઇટ બનાવી હતી. વેબસાઈટમાં યુવતીની તસવીરોની સાથે સાથે તેમની સાથે સમય વિતાવવાના અલગ અલગ રેટ પણ લખ્યાં હતાં. આ ઉપરાંત અશ્લીલ વાતો પણ લખવામાં આવી હતી. આ ઉપરાંત સ્પા સેન્ટરમાં આવતા ગ્રાહકોને એક મેનુ કાર્ડ પણ આપવામાં આવતું હતું, જેમાં વિકલ્પોની પસંદગી બાદ તે પ્રમાણે ચાર્જ વસૂલ કરવામાં આવતો હતો. રેટ કાર્ડની સેવાઓ અંગે વિસ્તૃત જાણકારી પણ આપવામાં આવતી હતી.


સ્પા સેન્ટરમાં શું ચાલી રહ્યું છે તેની જાણકારી કોઈને પણ ન લાગે તે માટે તમામ પ્રવૃત્તિઓ અંડરગ્રાઉન્ડ ચલાવવામાં આવતી હતી. જેમાં જવા માટેનો દરવાજો એક બટનથી ખુલતો હતો.


સ્વાતીના કહેવા પ્રમાણે આ સ્પા સેન્ટરને એક ઘરમાં જ ચલાવવામાં આવતું હતું. આ મામલે તેમને ફરિયાદ મળી હતી, જે બાદમાં આ કાર્યવાહી કરવામાં આવતી હતી.


ભોયરામાં બનાવવામાં આવેલા રૂમમાં તપાસ દરમિયાન ત્રણ ગ્રાહકો અને ચાર છોકરીઓ મળી આવી હતી. તમામ લોકો વાંધાજનક સ્થિતિમાં પકડાયા હતા. આ દરમિયાન મોટા પ્રમાણમાં કોન્ડોમ અને બીજી વસ્તુઓ પણ મળી આવી હતી. પોલીસે કાર્યવાહી કરતા ત્રણ ગ્રાહક, ચાર છોકરી અને સ્પા સેન્ટરના મેનેજરની અટકાયત કરીને વધુ કાર્યવાહી કરી છે.