

11 જાન્યુઆરી 1966 ના રોજ દેશના પૂર્વ વડાપ્રધાન લાલ બહાદુર શાસ્ત્રીએ (Lal Bahadur Shastri ) તાશકંદમાં (Tashkent) અંતિમ શ્વાસ લીધા હતા. 10 જાન્યુઆરી 1966ના રોજ પાકિસ્તાન (Pakistan) સાથે શાંતિ અંગેના કરારના કર્યાના માત્ર 12 કલાક પછી તાશકંદમાં અચાનક તેમનું અવસાન થયું. તેમનું મૃત્યુ આજે પણ એક રહસ્ય સમાન છે. તેમણે પોતાનું સમગ્ર જીવન ગરીબો અને દેશની સેવામાં સમર્પિત કર્યુ હતું.


દેશના બીજા વડાપ્રધાન લાલ બહાદુર શાસ્ત્રીનો જન્મ ઉત્તર પ્રદેશના મુગલસરાયમાં 1904માં થયો હતો. વર્ષ 1920માં શાસ્ત્રીજી આઝાદીની પહેલી લડાઈમાં જોડાઈ ગયા હતા. સ્વાધીનતા સંગ્રામમાં તેમની ભૂમિકા મહત્વની હતી. 1930 દાંડી માર્ચ અને 1942ના ભારત છોડો આંદોલનમાં પણ તેમનો સહયોગ રહ્યો હતો.


જ્યારે દેશ ભુખમરાની સમસ્યાથી પીડાઇ રહ્યો હતો તે સમયે શાસ્ત્રીજીએ પોતાની સેલેરી લેવાનું બંધ કરી દીધુ હતું. પોતાના ઘરમાં કામ કરનારી બાઇને પણ કામ પર આવવાની ના પાડી દીધી હતી અને ઘરનું બધુ કામ જાતે કરતા હતાં. તેમને સાદગી પસંદ હતી. વડાપ્રધાન બનતા પહેલા તેઓ વિદેશ મંત્રી, ગૃહમંત્રી અને રેલ મંત્રી જેવા પદ પર રહ્યાં હતાં.


જ્યારે તેઓ રેલવે મંત્રી હતા ત્યારે તે લોકોની સમસ્યાઓ જાણવા માટે જનરલ બોગીમાં જતા રહ્યાં હતાં. તેઓ સમસ્યાઓનું નિકારણ પણ ફટાફટ લાવતા હતાં. ટ્રેનમાં પહેલીવાર પંખો લગાવવાનો નિર્ણય તેમણે લીધો હતો. શાસ્ત્રીજી રેલમંત્રી હતા ત્યારે એક ટ્રેન અકસ્માત થતા તેમણે રાજીનામુ આપી દીધું હતું.