

નવી દિલ્હીઃ કોરોના વાયરસ (Coronavirus)ના વધતા સંક્રમણની વચ્ચે દુનિયાભરના વૈજ્ઞાનિકો તેની વેક્સીન (Corona Vaccine) શોધવામાં લાગી ગયા છે. અનેક દેશોથી વેક્સીનની પ્રગતિને લઈ સારા અહેવાલો સામે આવી રહ્યા છે. જોકે, ક્લિનિકલ ટ્રાયલ (Clinical Trial)ની પ્રક્રિયા લાંબી હોવાના કારણે તેમાં વિલંબ થઈ રહ્યો છે. અહેવાલો મુજબ, દુનિયાભરમાં કોરોના માટે 100થી વધુ પ્રકારની વેક્સીનને લઈ રિસર્ચ ચાલી રહ્યા છે. બીબીસીના એક રિપોર્ટ મુજબ, તેમાંથી 13 વેક્સીન ક્લિનિકલ ટ્રાયલના ચરણમાં છે.


બ્રિટનની ઓક્સફર્ડ યુનિવર્સિટીની વેક્સીન પણ આ રેસમાં આગળ ચાલી રહી છે, જેના માટે ભારતની સીરમ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઉત્પાદન કરશે. બીજી તરફ, બ્રિટનમાં જ વધુ એક વેક્સીનનું મનુષ્ય પર ટ્રાયલ (Vaccine Human Trial) શરૂ થઈ ચૂક્યું છે. પ્રાણીઓ પર તેના સફળ ટ્રાયલ બાદ વૈજ્ઞાનિકોનો દાવો છે કે ટૂંક સમયમાં સારા સમાચાર આવી શકે છે.


બ્રિટનમાં વધુ એક કોરોના વેક્સીનનું મનુષ્ય પર પરીક્ષણ કરવાની તૈયારી શરૂ થઈ ગઈ છે. લંડનની ઇમ્પીરિયલ કોલેજમાં 300 લોકો પર આ ટ્રાયલ કરવામાં આવશે. પ્રોફેસર રોબિન શટોક આ ટ્રાયલનું નેતૃત્વ કરી રહ્યા છે. ઇમ્પીરિયલ કોલેજ લંડનમાં થનારા હ્યૂમન ટ્રાયલ પહેલા આ વેક્સીનનો પ્રાણીઓ પર ટ્રાયલ સફળ રહ્યો છે. વૈજ્ઞાનિકોનો દાવો છે કે આ વેક્સીનથી ઇમ્યૂનિટીને ઘણી સારી બનાવી શકાશે.


વૈજ્ઞાનિકોનું કહેવું છે કે મનુષ્યો પર વેક્સીનનો પ્રયોગ સફળ રહ્યો તો લોકોને તેનો ડોઝ 300 રૂપિયાથી પણ ઓછા ભાવે ઉપલબ્ધ થશે. નોંધનીય છે કે, કોરોનાના કહેરનો સામનો કરી રહેલા દેશોમાં બ્રિટનનું નામ પણ સામેલ છે. વેક્સીનને લઈ અહીંના વૈજ્ઞાનિકો પ્રયાસરત છે.


ઇમ્પીરિયલ કોલેજ ઓફ લંડનના વૈજ્ઞાનિકો મુજબ, હ્યૂમન ટ્રાયલ દરમિયાન તેઓ એ જોશે કે તેમની આ વેક્સીન મનુષ્યો માટે કેટલી સુરક્ષિત છે. વેક્સીન બનાવનારા સમૂહના ઇન્ચાર્જ પ્રોફેસર રોબિન શેટોકના કહેવું છે કે, અમારી ટીમ લોકોને એક સસ્તી પરંતુ ખૂબ સુરક્ષિત વેક્સીન ઉપલબ્ધ કરાવવા માંગે છે.


પ્રો. શેટોકનું કહેવું છે કે મનુષ્યના શરીર પર વેકસીનના ટ્રાયલના આ ચરણમાં જો સફળતા મળી તો અમે આગામી ચરણમાં લગભગ 6000 લોકો પર તેનો ટ્રાયલ કરીશું. જોકે તેઓએ એમ પણ કહ્યું કે યોજના મુજબ બધું યોગ્ય રીતે પાર પડ્યું તો પણ આ વેક્સીનના આ વર્ષના અંત સુધીમાં ઉપલબ્ધ નહીં થઈ શકે.