

કોરોના વાયરસના (Coronavirus) વધતા કેસની વચ્ચે દેશમાં 3 મે સુધી લોકડાઉન (Lockdown) લંબાવવામાં આવ્યું છે. આ વચ્ચે ગૃહ મંત્રાલયે શુક્રવારે રાતે આદેશ જાહેર કરતા તમામ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં નાની દુકાનોને ખોલવાની અનુમતિ આપી છે. પણ આ દુકાનોએ અમુક શર્તોનું પાલન કરવું પડશે. વળી હોટસ્પોટ અને કંટેનમેન્ટ ઝોનમાં આ છૂટ નહીં મળે તેની ખાસ નોંધ લેવી.


લોકડાઉનના કારણે તમામ દુકાનો, શાળા, કોલેજ અને મોલ બંધ કરવામાં આવ્યા હતા. ખાલી જરૂરી સામાન જેમ કે શાકભાજી, દૂધ, દવાઓ અને કરિયાણાની દુકાનો જ ખોલવાની છૂટ આપવામાં આવી હતી. કેન્દ્રના આદેશ મુજબ શનિવારે રહેણાંક વિસ્તારની પાસે આવેલી દુકાનો અને નાની દુકાનોને ખોલવાની છૂટ આપવામાં આવી છે. જે નગરપાલિકા નિગમ અને નગર પાલિકાની સીમામાં આવતી હોય. જો કે લોકડાઉનમાં મળેલી આ છૂટમાં સવાલ તે ઊભા થાય છે કે શું દારૂની દુકાનો પણ ખૂલશે. તો જવાબ છે ના.


ગૃહ મંત્રાલયના આદેશ મુજબ, બાર, દારૂની દુકાનોને હાલ નહીં ખોલી શકાય. કેન્દ્રીય ગૃહમંત્રાલયે લોકડાઉન સમયે દારૂની દુકાનો ખોલવાના પંજાબ સરકારના અનુરોધને ફગાવ્યો છે. આ પહેલા પણ ગૃહ મંત્રાલયે તેમના દિશા નિર્દેશોમાં સ્પષ્ટ પણે કહ્યું હતું કે દારૂની દુકાન ખોલવાની છૂટ નહીં મળે.


જો કે આસામ અને મેધાલયમાં લોકડાઉન પહેલા ફેઝમાં દારૂની દુકાન ખોલવાની પરમિશન આપવામાં આવી હતી. પણ 15 એપ્રિલે ગૃહ મંત્રાલયે આ છૂટ બંધ કરી હતી. ગૃહ મંત્રાલયના એક વરિષ્ઠ નેતાએ કહ્યું કે લોકડાઉન સમયે દારૂ, ગુટકા, તંબાકૂ આદીના વેચાણ પર કડક પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. મની કંટ્રોલની એક રિપોર્ટ મુજબ દારૂના વેચાણ બંધ થવાથી અનેક રાજ્યોની કમાણીમાં 25 ટકાનો ઘટાડો થયો છે. અને રાજ્યોને આ કારણે નુક્શાન વેઠવાનો સમય આવ્યો છે.


આજ કારણ છે કે અનેક રાજ્યો આ સેવા ફરી ચાલુ કરવા કેન્દ્ર સરકારથી અનુમતિ માંગી રહી છે. સામાન્ય રીતે દરેક પ્રકારના બિઝનેસ પ્લેસ એટલે કે વ્યાવસાયિક સ્થળને રાજ્યના Shop And Establishment Act માં રજિસ્ટર કરાવવું જરૂરી છે. આ એક્ટ તેમાં કામ કરતા વર્કર્સના અધિકારોનું રક્ષણ કરે છે. આ એક્ટ પૂરા દેશમાં લાગુ છે. અને હોટલ, ભોજનાલય, મનોરંજન પાર્ક, સિનેમાઘર અને અન્ય વાણિજ્ય પ્રતિષ્ઠાનો તેના અંતર્ગત આવે છે.