

નવી દિલ્હી : દેશમાં કોરોના વાયરસ (Coronavirus)નો ચેપ ખતરનાક રીતે ફેલાઇ રહ્યો છે. શનિવારે સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય તરફથી જાહેર કરવામાં આવેલા આંકડા પ્રમાણે દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના નવા (Coronavirus India Updates) 48,916 કેસ ઉમેરાયા છે. આ સાથે છેલ્લા 24 કલાકમાં કોરોનાને કારણે 757 લોકોનાં મોત (Death) થયા છે. શુક્રવારે એક જ દિવસમાં 4,20,898 સેમ્પલ (Sample)તપાસવામાં આવ્યા હતા, જે ગુરુવારની સરખામણીમાં 68,097 વધારે છે. આ સાથે જ દેશમાં કોરોનાના સક્રિય કેસ 4,56,071 થયા છે, જ્યારે કોરોનાને કારણે અત્યાર સુધી કુલ 31,358 લોકોનાં મોત થાય છે. 8,49,431 દર્દી કોરોનાને હાર આપીને સાજા થયા છે.


સ્વાસ્થ્ય મંત્રાલય પ્રમાણે દેશમાં હાલ કોરોનાના કુલ 13,36, 861 કેસ નોંધાયા છે. સંક્રમણથી મૃત્યુંનું પ્રમાણ દેશમાં 2.3 ટકા છે, જ્યારે સાજા થવાનો દર 63.5 ટકા છે. દુનિયાભરમાં ભારત કોરોના સંક્રમણ બાબતે ત્રીજા નંબર પર છે. તાજા આંકડા પ્રમાણે મહારાષ્ટ્રમાં અત્યાર સુધી 3.5 લાખ કેસ થયા છે. જ્યારે તમિલનાડુમાં બે લાખની નજીક કેસ છે. જ્યારે મહારાષ્ટ્રમાં બે લાખ જેટલા લોકો સાજા થયા છે.


ગુજરાતમાં કોરોના : રાજ્યમાં શુક્રવાર સાંજે પુરા થતાં 24 કલાકમાં કોરોનાના 1068 નવા કેસ નોંધાયા છે. જેની સામે 872 દર્દીઓ સાજા થયા છે. છેલ્લા 24 કલાકમાં 26 દર્દીના મોત થયા છે. 24 કલાકમાં સૌથી વધુ સુરત જિલ્લામાં 309 કેસ નોંધાયા છે. આરોગ્ય વિભાગે આપેલી વિગતો પ્રમાણે સુરતમાં 309, અમદાવાદમાં 176, વડોદરામાં 92, રાજકોટમાં 59, ભાવનગરમાં 39, ભરૂચમાં 30, અમરેલી, જૂનાગઢમાં 28, બનાસકાંઠા, ગાંધીનગરમાં 26-26, સુરેન્દ્રનગરમાં 25, કચ્છ, મહેસાણામાં 22-22, પાટણમાં 20, ગીર સોમનાથ, નવસારીમાં 19-19, દાહોદ, વલસાડમાં 18-18, આણંદ, જામનગરમાં 12, તાપીમાં 10-10, નર્મદા, સાબરકાંઠામાં 9-9, બોટાદ, ખેડા, પંચમહાલમાં 8-8, અરવલ્લીમાં 7, મોરબીમાં 6, છોટા ઉદેપુર, દેવભૂમિ દ્વારકા, મહીસાગરમાં 2-2 અને પોરબંદરમાં 1 સહિત કુલ 1068 કેસ નોંધાયા છે.