

નવી દિલ્હીઃ ભારતમાં કોરોના સંક્રમણ (Coronavirus)નો વ્યાપ ચિંતાજનક સ્થિતિમાં વધતો જઈ રહ્યો છે. રવિવાર સવારે જાહેર થયેલા આંકડાઓ અગાઉના તમામ રેકોર્ડ તોડી દીધા છે. આ આંકડાઓ મુજબ દેશમાં છેલ્લા 24 કલાકમાં 11,929 નવા કેસ નોંધાયા છે અને 311 દર્દીઓ કોરોના (COVID-19)નો ભોગ બન્યા છે. દેશમાં અત્યાર સુધી કોરોનાના 3 લાખ 20 હજાર 922 કન્ફર્મ કેસ થઈ ચૂક્યા છે.


સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડા મુજબ, દેશમાં કોરોનાના હવે 1 લાખ 49 હજાર 348 એક્ટિવ કેસ છે. કોરોનાથી અત્યાર સુધી દેશભરમાં 9,195 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. બીજી તરફ, 1 લાખ 62 હજાર 379 લોકો સાજા પણ થઇ ચૂક્યા છે.


ગુજરાતની વાત કરીએ તો, શનિવાર સાંજે જાહેર થયેલા આંકડાઓ મુજબ, કોરોના વાયરસના 517 નવા કેસ નોંધાયા છે. આ સાથે જ રાજ્યમાં કુલ 23,079 કેસ થયા છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોવિડ-19 (Covid19)ના કારણે 33 દર્દીના મોત થયા છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં સૌથી વધુ અમદાવાદ શહેરમાં 344 કેસ નોંધાયા છે.


આરોગ્ય વિભાગે આપેલી વિગતો પ્રમાણે રાજ્યમાં નવા નોંધાયેલા 517 કેસમાં અમદાવાદમાં 344, સુરતમાં 59, વડોદરામાં 40, ગાંધીનગરમાં 9, ભાવનગરમાં 7, મહેસાણામાં 6, અરવલ્લી,પંચમહાલ, નર્મદામાં 5-5, ભરૂચ, કચ્છમાં 4-4, રાજકોટ, પાટણ, જામનગર, અમરેલીમાં 3-3, બનાસકાંઠા, ખેડામાં 2-2 જ્યારે મહીસાગર, આણંદ, બોટાદ, ગીર સોમનાથ, સુરેન્દ્રનગર, છોટા ઉદેપુર અને જૂનાગઢમાં 1-1 નવા કેસ નોંધાયા છે.


રાજ્યમાં 33 દર્દીના કોરોનાના કારણે મોત થયા છે. જેમાં અમદાવાદમાં 26, સુરતમાં 3, અમરેલીમાં 2, જ્યારે ભાવનગર અને પાટણમાં 1-1 દર્દીનું મોત થયું છે. રાજ્યમાં કુલ મૃત્યુઆંક 1449 થયો છે.


રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 390 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. રાજ્યમાંથી અમદાવાદમાં 255, સુરતમાં 88, ગાંધીનગરમાં 18, વડોદરામાં 8, બનાસકાંઠામાં 8, મહેસાણા, ભરુચમાં 4-4, બનાસકાંઠા, ખેડા, નવસારી, કચ્છમાં 2-2 જ્યારે અરવલ્લી, દાહોદ, જામનગર, રાજકોટ અને પાટણમાં એક-એક દર્દીએ કોરોના વાયરસને મ્હાત આપી છે.