નવી દિલ્હીઃ દુનિયાભરમાં હાલના દિવસોમાં કોરોના વાયરસે (Coronavirus) હાહાકાર મચાવી દીધો છે. દરરોજ લાખોની સંખ્યામાં નવા કેસ સામે આવી રહ્યા છે. જ્યારે હજારોના મોત થઈ રહ્યા છે. દુનિયાના અનેક દેશોમાં આ વાયરસ ફરી આક્રમણ કરી રહ્યો છે. એવામાં દરેકની નજર કોરોનાની વેક્સીન (Covid-19 Vaccine) પર ટકેલી છે. અમેરિકામાં આ વેક્સીન તૈયાર થઈ ગઈ છે. કહેવામાં આવી રહ્યું છે કે ડિસેમ્બરમાં તેની સપ્લાય શરૂ થઈ જશે. આ દરમિયાન ભારતમાં પણ વેક્સીનની લોકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. આવો એક નજર કરીએ ભારતમાં આ વેક્સીનની શું કિંમત હશે અને તે બજારમાં ક્યારે ઉપલબ્ધ થશે. (પ્રતીકાત્મક તસવીર)
ક્યારે આવશે વેક્સીન? - સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયાના સીઇઓ અદાર પૂનાવાલાનું કહેવું છે કે આ વેક્સીન ફેબ્રુઆરી સુધી બજારમાં આવી જશે. સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓક્સફર્ડની કોરોના વેક્સીન એસ્ટ્રેજેનિકા (Oxford-AstraZeneca)ની સાથે મળીને ભારતમાં ટ્રાયલ કરી રહી છે. એક કાર્યક્રમમાં પૂનાવાલાએ કહ્યું કે 2021ના પહેલા ક્વાર્ટરમાં વેક્સીનના લગભગ 30થી 40 કરોડ ડોઝ ઉપલબ્ધ થઈ જશે. તેઓએ એવું પણ કહ્યું કે સ્વાસ્થ્ય કર્મીઓ અને વૃદ્ધો માટે ઓક્સફર્ડ કોવિડ-19ની વેક્સીન આગામી વર્ષે ફેબ્રુઆરી સુધી અને સામાન્ય લોકો માટે એપ્રિલ સુધી ઉપલબ્ધ થવી જોઈએ. પૂનાવાલાએ એવું પણ કહ્યું કે 2024 સુધી દરેક ભારતીયને વેક્સીન આપવામાં આવી ચૂકી હશે. (પ્રતીકાત્મક તસવીર)
વેક્સીનની કિંમત શું હશે? - અદાર પૂનાવાલાનું કહેવું છે કે આ વેક્સીનની કિંમત ભારતમાં વધુમાં વધુ 1000 રૂપિયા હશે. તેમના જણાવ્યા મુજબ, વેક્સીનના બે ડોઝ લેવા પડશે. દરેક ડોઝની કિંમત 500 રૂપિયાથી 600 રૂપિયાની વચ્ચે હશે. જ્યારે સરકાર તરફથી આ બંને ડોઝ સામાન્ય લોકોને લગભગ 440 રૂપિયામાં ઉપલબ્ધ કરાવવામાં આવશે. તેઓએ કહ્યું કે સરકારને દરેક ડોઝ 3થી 4 ડૉલરમાં આપવામાં આવશે. હાલ સરકાર તરફથી તેની કોઈ અધિકૃત જાહેરાત નથી કરવામાં આવી. (પ્રતીકાત્મક તસવીર)
ક્યાં સુધીમાં બધાને વેક્સીનના ડોઝ આપવામાં આવશે? - પૂનાવાલાએ કહ્યું કે, ભારતમાં દરેક વ્યક્તિને વેક્સીનને ડોઝ આપવામાં બેથી ત્રણ વર્ષ લાગી જશે. આ માત્ર સપ્લાયમાં મુશ્કેલીના કારણે નહીં પરંતુ બજેટ, વેક્સીન, માળખાકિય સુવિધાની જરૂર પડશે અને પછી વેક્સીન આપવા માટે લોકોને તૈયાર કરવા પડશે અને આ એવા પરિબળો છે જે તમામ વસ્તીને 80-90 ટકા લોકોનું વેક્સીનેસન માટે જરૂરી છે. (પ્રતીકાત્મક તસવીર)
વેક્સીનનું એડવાન્સ બુકિંગ - અનેક કંપનીઓએ ટ્રાયલમાં સારા પરિણામને જોતાં મોટાપાયે વેક્સીનનું ઉત્પાદન શરૂ કરી દીધું છે. જેથી મોટા દેશોની વચ્ચે તેની ખરીદી અને સોદાને લઈને હોડ જામી ગઈ છે. એવામાં ભારતે પણ 150 કરોડથી વધુ ડોઝ ખરીદવા માટે એડવાન્સ બુકિંગ કરાવી દીધું છે. વોલ સ્ટ્રીટ જર્નલના રિપોર્ટ મુજબ, કોવિડ-19 વેક્સીન ડોઝ ખરીદવાના મામલામાં ભારત ત્રીજા નંબર પર છે. (પ્રતીકાત્મક તસવીર)