બેંગલુરુ : કર્ણાટકના (Karnataka)ના કોંગ્રેસ નેતા ડી. કે. શિવકુમાર (DK Shivkumar)ની મની લોન્ડ્રિંગ (Money Laundering) કેસમાં ઇર્ન્ફોસમેન્ટ ડિરોક્ટરેટ (ED)એ મંગળવારે ધરપકડ કરી. મોડી રાત્રે તેમની તબિયત બગડી. છાતીમાં દુખાવાની ફરિયાદ બાદ શિવકુમારને રામ મનોહર લોહિયા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા. મેડિકલ તપાસમાં તેમનું બ્લડ પ્રેશર ઘણું વધેલું હતું. ત્યારબાદ રાત્રે 1.45 વાગ્યે તેમને લોહિયા હોસ્પિટલના બીજા વિભાગ લઈ જવામાં આવ્યા, જ્યાં તેમની અન્ય મેડિકલ તપાસ પૂરી કરવામાં આવી. ડી. કે. શિવકુમારે આજે ઈડી હેડક્વાર્ટર (નવી દિલ્હીના ખાન માર્કેટ) લાવવામાં આવશે.
ઈડીની ધરપકડ બાદ શિવકુમારે ભાજપ પર નિશાન સાધ્યું. શિવકુમારે ટ્વિટ કરીને લખ્યું કે, હું ભાજપના મિત્રોનો આભાર વ્યક્ત કરું છું કે તેઓ મને ધરપકડ કરીને અંતે પોતાના મિશનમાં સફળ રહ્યા. ઇનકમ ટેક્સ વિભાગ (Income Tax Department) અને ઈડીની તપાસ મારી વિરુદ્ધ રાજનીતિથી પ્રેરિત છે. હું ભાજપના બદલાની ભાવનાથી કરવામાં આવેલી કાર્યવાહીનો પીડિત છું.
શિવકુમારે મુખ્યમંત્રી યેદિયુરપ્પા સામે નિશાન સાધતા કહ્યું કે, હું યેદિયુરપ્પાને અભિનંદન આપું છું જેઓ મારા મહાન મિત્ર છે, જેઓ હવે રાજ્યના મુખ્યમંત્રી છે. વિધાનસભામાં તેઓએ (યેદિયુરપ્પા) કહ્યું હતું કે તેઓ બદલાની રાજનીતિ નહીં કરે...મને ખુશી છે, હું તેમને અભિનંદન આપું છું કારણ કે તેઓએ બદલાની રાજનીતિના બીજ વાવી દીધા છે.
શિવકુમારની ધરપકડ બાદ કર્ણાટકમાં અનેક સ્થળે વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે. પોતાના નેતાની ધરપકડથી આક્રોશિત કોંગ્રેસીઓએ મંગળવારે અનેક સ્થળે સૂત્રોચ્ચાર કર્યા. સમર્થકોએ રામનગરમાં બે બસોને પણ આગને હવાલે કરી દીધી. અનેક બસો પર પથ્થરમારો કર્યો. સાર્વજનિક સંપત્તિઓને પણ નુકસાન પહોંચાડ્યું. હિંસા બાદ રામનગરમાં આજે સ્કૂલ-કોલેજ બંધ રાખવામાં આવ્યા છે.