ભારત-પાકિસ્તાનની (India-Pakistan Border) કચ્છના રણથી લઈને રાજસ્થાન સુધી રણવિસ્તારમાં લાંબી આંતરાષ્ટ્રીય સીમા છે. આ સીમામાં ઘણો ભાગ તારની વાડ વગરનો છે જ્યાં પીલર દ્વારા ભારત અને પાકિસ્તાન વચ્ચેની સીમા નક્કી કરવામાં આવી છે. આંતરાષ્ટ્રીય સીમામાં આ સ્થિતિમાં અનેકવાર આસપાસના ગ્રામિણો એકબીજાના દેશમાં આવી ચઢે છે. આવું જ કઈક ફરી વાર બન્યું પરંતુ આ વખતે એક નાનકડું ટેણિયું (Child Crossed Pakistan Border) બોર્ડર ક્રોસ કરી અને ભારતની સીમામાં આવી પહોંચ્યો હતો.
દેશ અને સરહદના સીમાડાને પણ ન સમજી શકાય એટલી કાચી ઉંમરનો આ બાળક મેલાઘેલા કપડાં અને હાથમાં પાણીની બોટલ સાથે રણમાં ભટકતો ભટકતો ભારતીય સીમામાં ઘૂસી ગયો હતો. જોકે, બાળકને જોતા જ પેટ્રોલિંગ સ્ટાફે તરત તેને રોકી લીધો હતો. આ આંતરાષ્ટ્રીય સરહદ રાજસ્થાનના બાડમેરની હતી જ્યાંથી તે બાળક ઘૂસ્યો હતો. આ જ બોર્ડર પર અનેક વાર બીએસએફ દ્વારા ઘૂસણખોરીના બનાવોમાં ફાયરિંગ કરી અને ઘૂસવા માંગતા લોકોને ઠાર મારવામાં આવ્યા છે પરંતુ બાળક હોવાના કારણે પહેલાં તેની પૂછપરછ કરવામાં આવી હતી.
સેનાને જોઈને ગભરાઈ ગયેલો બાળક આઘાતમાં હતો અને રડવા લાગ્યો હતો. જોકે, BSFએ માનવીય અભિગમ રાખતા તેને પહેલાં તો ભોજન આપ્યું અને બાદમાં બ્લુ ફ્લેગ બતાવી અને પીલર પાસે પાકિસ્તાની રેંજર્સ સાથે મંત્રણા કરી હતી. આ મંત્રણામાં જાણવા મળ્યું કે બોર્ડરથી ત્રણ કિલોમીટર દૂર એક ગામ આવેલું છે ત્યાંનો રહેવાસી આ બાળક ભૂલમાં આવી ચઢ્યો છે.
આ મંત્રણા બાદ બિનશરતી રીતે આ બાળકને પાકિસ્તાની રેંજર્સને સોંપવામાં આવ્યો અને પાકિસ્તાની રેંજર્સે તે બાળકને પોતાના પરિવારે પાસે પહોંચાડ્યો. બનાસકાંઠા, કચ્છ, રાજસ્થાનની આવી તારના વાડ વગરની સરહદ પર અનેક વાર લોકો સરહદ ક્રોસ કરી જતાં હોય છે ત્યારે મુસીબત સર્જાતી હોય છે. જોકે, ઈશ્વરના રૂપ સમાન આ બાળકને સેનાએ માનવતાના ધોરણે પરત મોકલી આપ્યો હતો.