રાજસ્થાનમાં સૌથી મોટી IT રેડ: વેપારીએ ભોંયરામાં સંતાડી હતી સોનાની મુર્તીઓ, હીરા, સોના-ચાંદીના દાગીના સહિતની મૂલ્યવાન વસ્તુઓ
આવક વેરા વિભાગે પાંચ દિવસમાં રાજસ્થાનના ત્રણ મોટા વેપારી ગ્રૂપ સિલ્વર આર્ટગ્રૂપ, ચોરડિયા ગ્રૂપ અને ગોકુલ કૃપા ગ્રૂપ ઉપર છાપો માર્યો હતો.


જયપુરઃ રાજસ્થાનમાં એક ચોંકાવનારી ખબર સામે આવી છે. ઇન્કમ ટેક્સ વિભાગે (Income tax) તાબડતોબ દરોડા પાડતા સૌથી મોટી રેડ (Big It raid in rajasthan) પાડી હતી. ઇન્કમ ટેક્સની ટીમને કરોડો નહીં પરંતુ અબજો રૂપિાયની બેનામી સંપત્તિ (back money) મળી હતી. આ કાળું ધન જયપુરના એક વેપારીએ એક સુરંગમાં સંતાડ્યું હતું. એક ભોંયરામાંથી સોનાની મુર્તીઓ, હીરા, કિંમતી પથ્થરો અને અનેક મૂલ્યવાન વસ્તુઓ મળી હતી. ઈન્કમ ટેક્સની ટીમે સરાફા વેપારી અને બે રિયલ એસ્ટેટ ડેવલોપરના ત્યાં છાપો માર્યો હતો.


મળતી માહિતી પ્રમાણે આવક વેરા વિભાગે પાંચ દિવસમાં રાજસ્થાનના ત્રણ મોટા વેપારી ગ્રૂપ સિલ્વર આર્ટગ્રૂપ, ચોરડિયા ગ્રૂપ અને ગોકુલ કૃપા ગ્રૂપ ઉપર છાપો માર્યો હતો. આ રેડ દરમિયાન અહીંથી અત્યાર સુધીમાં 1750 કરોડ રૂપિયાના કાળા નાણાંનો ખુલાસો થયો હતો. કાર્યવાહી દરમિયાન સરાફા વેપારી પાસેથી 700 કરોડ રૂપિયાની સંપત્તિ મળી હતી.


સરાફા વેપારીએ પોતાનું બે નંબરનું નાણું પોતાના ભોંયરામાં સંતાડ્યું હતું. ચોથા દિવસની રેડ દરમિયાન અહીંથી જ્વેલરી, હીરા જવેરાત મળ્યા હતા. સાથે જ કરોડો રૂપિયાની સંપત્તિના દસ્તાવેજ અને નોટોના બંડલો મળ્યા હતા.


અધિકારીઓનું કહેવું છે કે આ વેપારીઓને છેલ્લા 6-7 વર્ષની લેવડ દેવડનું વિવરણ, અનેક રજીસ્ટરો, સ્લિપ પેડ અને દિન-પ્રતિદિનના કાચી કેશ બુક વગેરેના રૂપમાં બેસમેન્ટમાં સંતાડ્યું હતું.