

મહારાષ્ટ્ર (Maharashtra)માં થાણે (Thane) સ્થિત ભિવંડીમાં સોમવાર સવારે ત્રણ માળની બિલ્ડિંગ ધરાશાયી (Bhiwandi Building Collapse) થતાં ઓછામાં ઓછા 10 લોકોનાં મોત થયા છે. હજુ પણ કાટમાળમાં 20-25 લોકો ફસાયા હોવાની આશંકા છે. સ્થાનિક લોકોએ 20 લોકોને બહાર કાઢ્યા. એનડીઆરએફ (NDRF)ની ટીમો રેસ્ક્યૂ ઓપરેશન (Rescue Operations)માં લાગી ગઈ છે.


થાણે નગર નિગમના પીઆરઓએ જણાવ્યું કે, ભિવંડીમાં દુર્ઘટના વહેલી પરોઢે 3:20 મિનિટે પટેલ કમ્પાઉન્ડમાં બની. આ દરમિયાન બિલ્ડિંગના લોકો મીઠી નીંદર માણી રહ્યા હતા. અત્યાર સુધી કાટમાળમાંથી 10 લોકોનાં મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા છે.


બીજી તરફ, એનડીઆરએફની ટીમે કાટમાળમાં ફસાયેલા એક પાંચ વર્ષના બાળકને સુરક્ષિત કાઢ્યું છે. બાળકને હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યું છે. ડૉક્ટર્સ મુજબ, બાળક ખતરાથી બહાર છે.


સ્થાનિક લોકો મુજબ, વર્ષ 1984માં બનેલા જિલાની અપાર્ટમેન્ટ, મકાન નંબર 69 નામની બિલ્ડિંગનો અડધો હિસ્સો મોડી રાત્રે ધરાશાયી થઈ ગયો. બિલ્ડિંગમાં 21 પરિવાર રહેતા હતા.


મળતી માહિતી મુજબ, આ બિલ્ડિંગ ડેન્જર લિસ્ટમાં હતું. તેને ખાલી કરવા માટે નોટિસ પણ આપવામાં આવી હતી. જોકે નોટિસ મળ્યા બાદ કેટલાક લોકો અહીંથી જતા રહ્યા હતા, પરંતુ કેટલાક લોકો અહીં રહી રહ્યા હતા.