

નવી દિલ્હી : ભારતમાં ઝડપથી વધી રહેલા કોરોના વાયરસના (Covid-19)કેસ વચ્ચે કોરોના વેક્સીન હ્યુમન ટ્રાયલ (Human Trial)ની શરૂઆત કરવામાં આવી ચૂકી છે. વેક્સીન ડેવલપ કરનારી કંપની ભારત બાયોટેકે (Bharat Biotech) ટ્રાયલની શરૂઆત પર ખુશી વ્યક્ત કરી હતી. કંપનીએ કહ્યું કે વેક્સીનના હ્યુમન ક્લિનિકલ ટ્રાયલના પ્રથમ ફેઝની શરૂઆત કરવામાં આવી ચૂકી છે. આ રેડમાઇઝ્ડ. ડબલ બ્લાઇંડ ટ્રાયલ હશે. જેમાં 375 વોલેન્ટીયર્સ ભાગ લઈ રહ્યા છે.


ઉલ્લેખનીય છે કે આ ટ્રાયલને લઈને ઘણો વિવાદ પણ થયો હતો. મેડિકલ રિસર્ચમાં ભારતની અગ્રણી સંસ્થા ICMRએ ભારત બાયોટેકને મોકલાવેલ એક આંતરિક પત્રમાં કહ્યું હતું કે ક્લિનિકલ ટ્રાયલની પ્રક્રિયાને ઝડપી બનાવવામાં આવે. આ લેટરમાં ICMRએ 15 ઓગસ્ટ સુધી વેક્સીન ન તૈયાર કરવાની સ્થિતિમાં પરિણામ ભોગવવાની ચેતવણી સામેલ કરી હતી. ભારત બાયોટેકને કહેવામાં આવ્યું હતું કે વેકસીન બનાવવાના કામને પ્રથમ પ્રાથમિકતા આપવામાં આવે. જોકે ICMR દ્વારા આવી ગાઇડલાઇન જાહર કરતા ઘણા એક્સપર્ટોએ ચિંતા વ્યક્ત કરી હતી. એક્સપર્ટોનું કહેવું હતું કે વેક્સીન બનાવવાનું કામ દબાણથી પુરુ કરી શકાય નહીં.


ભારત બાયોટેક તરફથી બનાવવામાં આવેલ વેક્સીન દુનિયાભરના દેશોમાં જાય છે. ભારત બાયોટેક કંપનીએ આ પહેલા પોલિયા, રેબીજ, ચિકનગુનિયા, જાપાની ઇનસેફ્લાઇટિસ, રોટા વાયરસ અને ઝીકા વાયરસ માટે પણ વેક્સીન બનાવી હતી.