

બેંગલુરુ. કોરોના મહામારી (Corona Pandemic)ની વચ્ચે દુનિયાનો પહેલો આંતરરાષ્ટ્રીય એર શોની શરૂઆત 3 ફેબ્રુઆરીથી થઈ રહી છે. આ શોનું નામ છે એરો ઈન્ડિયા 2021 (Aero India 2021). દુનિયાભરના અલગ-અલગ વાયુસેનાના નવા પ્લેનો, હથિયારો, હેલિકોપ્ટરો અને ટેક્નોલોજીને ત્રણ દિવસ સુધી બેંગલુરુ (Bengaluru)ના યેલાહાંકા એરફોર્સ સ્ટેશન (Yelahanka Air Force Station) પર પ્રદર્શિત કરવામાં આવશે.


13મા એર ઈન્ડિયા શો માટે અત્યાર સુધી દેશ-વિદેશની કુલ 601 કંપનીઓ ત્રણ દિવસ સુધી બેંગલુરુમાં યોજાનારી પ્રદર્શનીમાં હિસ્સો લેવા માટે રજિસ્ટ્રેશન કરાવી ચૂકી છે. 523 ભારતીય, 14 દેશોની 78 વિદેશી કંપનીઓ છે. તેમાંથી 248 એક્ઝિબિટર્સ વર્ચ્યૂઅલી હિસ્સો લેશે.


કોવિડ-પ્રોટોકોલને કારણે આ વખતે એર-શોમાં સામાન્ય લોકોને આવવાની મંજૂરી નહીં હોય. લોકોને વર્ચ્યૂઅલ માધ્યમથી શો જોવા માટે મંત્રાલયે ખાસ વ્યવસ્થા કરી છે. આ વખતે એર ઈન્ડિયા શોને હાઇબ્રિડ શોનું નામ આપવામાં આવ્યું છે.


બે વર્ષમાં એક વાર યોજાતા આ એર-શોમાં ભારત પોતાના સ્વદેશી હથિયાર, ફાઇટર જેટ્સ એન મિસાઇલોની પ્રદર્શની દુનિયા માટે કરવાનું છે. તેની સાથે જ દુનિયાભરની મોટી એરો-સ્પેસ કંપનીઓ પણ ભારતની સાથે મળી ભારતમાં જ પોતાના હથિયારોનું ઉત્પાદન કરવા માટે પહોંચી રહી છે.


બેંગલુરુમાં શરૂ થઈ રહેલા એશિયાના સૌથી મોટા એર શો Aero India 2021ના 13મા એડિશનમાં આત્મનિર્ભર ભારત (Aatma Nirbhar Bharat)નું સુંદર દૃષ્ટાંત જોવા મળી રહ્યું છે. આજે થયેલા ફુલ ડ્રેસ રિહર્સલમાં ‘આત્મનિર્ભર ફોર્મેશન ફ્લાઇટ’ જોવા મળી. આ ફોર્મેશનમાં ભારત દ્વારા ભારત (India)માં બનેલા એરક્રાફ્ટ્સએ આકાશમાં પોતાની શક્તિ દર્શાવી.


આ ફોર્મેશનમાં સૌથી પહેલા તેજસ, ત્યારબાદ બે HTT-40 ટ્રેનર એરક્રાફ્ટ, 1 hawk-i, IJTનું 1 એરક્રાફ્ટ અને અંતમાં Dornier 228 સામેલ હતું. આ ઉપરાંત સૌથી રસપ્રદ સારંગ અને સૂર્યકિરણ એયરોબેટિક ટીમનું કમ્બાઇન ડિસ્પ્લે પણ રહ્યું.


દર વર્ષે આ બંને ટીમ પોતાના અલગ-અલગ ડિસ્પ્લે કરે છે પરંતુ આ વખતે પહેલી વાર છે જ્યારે બંને ટીમનું એક સાથે પ્રદર્શન જોવા મળ્યું છે.


આ ઉપરાંત સુખોઇ-30 MKI, રફાલ, LCH, LUH, Mi-17, C-17 ગ્લોબમાસ્ટર, જગુઆર, AEWC એરક્રાફ્ટે પોતાની તાકાત દર્શાવી.


આ ઉપરાંત 1947 ભારત-પાક યુદ્ધમાં મજબૂત દાવેદારી નિભાવનારી વિન્ટેજ ડકોટા (પરશુરામ) એરક્રાફ્ટ પણ આ એર ઈન્ડિયા શોમાં હિસ્સો લઈ રહ્યા છે.


આ વખતના એર ઈન્ડિયા શોમાં સૌથી વધુ આકર્ષણનું કેન્દ્ર ભારતનું સૌથી પહેલું સેમી સ્ટીલ્થ ડ્રોનનું મોડલ છે. વોરિયર નામનું ડ્રોન સ્વદેશી કાર્યક્રમ કોમ્બેટ એર ટીમિંગ સિસ્ટમનો હિસ્સો છે. તે માનવ અને માનવરહિત પ્લેટફોર્મમાં ઉપયોગમાં લઈ શકાય છે.