

દિલ્હી : અયોધ્યામા રામ મંદિર (Ram Mandir) નિર્મામના ભૂમિ પૂજન સમારોહની તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે. રામ મંદિર નિર્માણ અંગે દેશભરમાં જુસ્સો જગાડનાર અને આંદોલન દરમિયાન અનેકવાર જેલ જઇ ચૂકેલા બીજેપી નેતા લાલકૃષ્ણ અડવાણી (LK Advani) તથા મુરલી મનોહર જોશીને (Murali Manohar Joshi)ટ્રસ્ટે શનિવારે ફોન કરીને કાર્યક્રમમા ભાગ લેવા માટે આમંત્રણ આપ્યુ છે. જોકે, બંન્ને વરિષ્ઠ નેતા ભૂમિ પૂજન સમારોહમાં અયોધ્યા (Ayodhya) નહીં જાય. મળતી માહિતી પ્રમાણે 5 ઓગસ્ટના થનારા વિશાળ કાર્યક્રમમાં વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા ભાગ લેશે.


રામ મંદિર ભૂમિ પૂજન કાર્યક્રમ 5 ઓગસ્ટનાં થવાનો છે. આ કાર્યક્રમમાં દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત અનેક ઘણા નેતા ભાગ લેશે. ભૂમિ પૂજન માટે હાલ અયોધ્યાની સુરક્ષા વ્યવસ્થાને ચુસ્ત કરી દેવામા આવી છે. મહત્વનું છે કે, બાબરી મસ્ઝિદ વિધ્વંસ મામલામાં ભારીતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણીની સીબીઆઈની સ્પેશિયલ કોર્ટમાં પેશી થઇ હતી. આ દરમિયાન લાલકૃષ્ણ અડવાણીને ઘણા પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા. તેમની પર જેટલા પણ આરોપ લગાવ્યા હતા તે તમામ આરોપોને નકારી દીધા હતા.


આજે બપોરે 2 વાગે સીએમ યોગી અયોધ્યા પહોંચવાના હતા પરંતુ અચાનક તેમનો આ પ્રવાસ રદ્દ થયો છે. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પહેલાં અહીં 3 કલાક અયોધ્યામાં રોકાઈને સાંજે 5 વાગે તેઓ લખનઉ પાછા ફરવાના હતા. અયોધ્યામાં સીએમ યોગી રામ જન્મભૂમિ પરિસરની નજીક માનસ ભવનમાં તમામ અધિકારીઓ સાથે તૈયારીઓ અંગે ચર્ચાનો પ્રોગ્રામ નક્કી થયો હતો જે હવે રદ્દ કરાયો છે. આ સાથે પરિસરમાં બની રહેલા પંડાલ, સડક અને અન્ય તૈયારીઓની સાથે કોવિડ પ્રોટોકોલના આધારે કરાઈ રહેલી તૈયારીઓ અંગે પણ ચર્ચા કેન્સલ કરાઈ છે.


નોંધનીય છે કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હાથે 5 ઓગસ્ટે થનારા મંદિરના શિલાન્યાસના આ પાવન અવસર પર વધુ લોકોના ભેગા થવાથી કોરોના સંક્રમણનો ખતરો રહેશે. આ સાથે સુરક્ષા કારણોથી વધારે લોકો ભેગા થાય તે યોગ્ય રહેશે નહીં. તેવામાં રામ મંદિરના શિલાન્યાસના ઐતિહાસિક પ્રસંગે બધાની અયોધ્યા પહોંચવાની ઈચ્છા પૂરી થશે નહીં. મળતી માહિતી પ્રમાણે, આ પ્રસંગે અહીં માત્ર 200 લોકો ઉપસ્થિત રહેશે. 200 લોકોના નામોનું લિસ્ટ બનાવવામાં વિહિપ, શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટ, રામ મંદિર ઉચ્ચાધિકાર સમિતિના પ્રમુખ સભ્યો અને ટોચના વહીવટી તંત્રની મહત્વપૂર્ણ ભૂમિકા રહેવાની છે.