રંજન ચંદા, દાંતન (પશ્ચિમ મેદિનીપુર): ફેસબુકમાં આ નાનકડા ક્રિકેટરના વીડિયો વાયરલ થઈ રહ્યા છે. તે સ્ટ્રેટ ડ્રાઇવ, કવર ડ્રાઇવ.. અરે આખી મેચમાં તે એક પ્રોફેશનલ ક્રિકેટર તરીકે રમે છે. પછી ભલે ને ગમે ત્યાં બોલ આવે, તેનું બેટ બોલને હિટ કરે જ છે. આ નાનકડા ક્રિકેટરનું નામ અંકન કૈલા છે. તેને અઢી વર્ષની ઉંમરથી જ ક્રિકેટનો શોખ હતો.
તેના પિતા કલાચંત કૈલાની એક કપડાંની દુકાન છે. માતા રુમ્પા કૈલા ગૃહિણી છે. તેના પિતા જણાવે છે કે, ‘અમે બહુ નાની ઉંમરે તેનામાં રહેલી ક્રિકેટની પ્રતિભાને ઓળખી કાઢી હતી. તે બધી રમત રમે છે, પણ ક્રિકેટ માટે તેને અલગ જ પેશન છે. તેને બેટ જોઈતું હતું અને તેણે જીદ્દ કરી હતી. અમે જ્યારથી તેને બેટ લઈ આપ્યું છે ત્યારથી તેનો જુસ્સો ડબલ થઈ ગયો છે. ત્યારબાદ અમે તેને કોચિંગ ક્લાસમાં મૂકવાનું નક્કી કર્યુ હતુ.’
તેના કોચ સંજય પાત્રાને અંકન પર ગજબનો વિશ્વાસ છે. તેમના જણાવ્યા પ્રમાણે, ‘અંકન જેટલું ક્રિકેટ માટે જુનૂન અને પેશન ઘણાં ઓછા લોકોમાં હોય છે. તે કવર ડ્રાઇવ અને સ્ક્વેર ડ્રાઇવ ખૂબ જ સારી રીતે રમે છે. ઘણીવાર તો અમે આશ્ચર્ય પામીએ છીએ. તે આખો દિવસ ક્રિકેટ માટે જ વિચારતો હોય છે. હું તેને બીજા વિરાટ કોહલી તરીકે જોવા માંગુ છું.’ અંકનને પણ વિરાટ કોહલી બનવું છે!