Independence Day 2020: વડાપ્રધાન મોદીએ 74માં સ્વતંત્રતા દિવસ (74th Independence Day) પર લાલ કિલ્લા પરથી દેશને સંબોધન કરતા ચીન (China) અને પાકિસ્તાન (Pakistan)ના વિસ્તારવાદ અને આતંકવાદ પર જોરદાર પ્રહાર કર્યો હતો. વડાપ્રધાન મોદીએ બંને પાડોશી દેશનું નામ લીધા વગર કહ્યુ કે આતંકવાદ (પાકિસ્તાન) અને વિસ્તારવાદ (ચીન) સમક્ષ ભારત ડટીને મુકાબલો કરી રહ્યું છે. ભારતીય સૈનિકો તમામ મોરચા પર દુશ્મનોનો મુકાબલો કરી રહ્યા છે. પીએમ મોદીએ કહ્યુ કે આપણા જવાનો શું કરી શકે છે તે દુનિયાએ લદાખમાં બનેલી ઘટનામાં જોઈ લીધું છે. પીએમ મોદીએ કહ્યુ કે જેમણે પડકાર ફેંક્યો તેમને તેમની જ ભાષામાં જવાબ આપવામાં આવ્યો છે.
વડાપ્રધાન મોદીએ કહ્યુ કે, ભારતની સંપ્રભુતાનું સન્માન અમારા માટે સર્વોચ્ચ છે. LoCથી લઈને LAC સુધી જ્યારે પણ કોઈએ દેશની સંપ્રભુતા પર આંખ કાઢવાનો પ્રયાસ કર્યો છે, દેશના સૈનિકોએ તેમને તેમની જ ભાષામાં જવાબ આપ્યો છે. લદાખમાં જે પણ થયું તે આખી દુનિયાએ જોયું છે. પીએમ મોદીએ કહ્યુ કે આજે માતૃભૂમિ પર ન્યોછાવર એ તમામ જવાનોને નમન કરું છું, જેઓ સતત સીમા પર આતંકવાદ અને વિસ્તારવાદનો ડટીને મુલાબલો કરી રહ્યા છે. આજે દુનિયાનો ભારત પર વિશ્વાસ વધારે મજબૂત થયો છે.
પાડોશી દેશો સાથે ભારતના સારા સંબંધો : પીએમ મોદીએ કહ્યુ કે ભારત સતત પોતાના પાડોશી દેશો સાથે સાંસ્કૃતિક અને આર્થિક સંબંધો વધારે મજબૂત બને તે માટે પ્રયાસ કરે છે. જમીન સાથે જોડાયેલા હોય કે પછી સમુદ્ર સાથે જોડાયેલા હોય, ભારતે હંમેશા તેમની સાથે સંબંધો મજબૂત કરવાના પ્રયાસો કર્યા છે. પોતાના સંબંધોને ભારતે સુરક્ષા, વિકાસ અને વિશ્વાસની ભાગીદારી સાથે જોડી દીધા છે.