પૂર્વ વિદેશ મંત્રી સુષમા સ્વરાજનું 67 વર્ષની ઉંમરે નિધન થયું છે. હૃદય રોગના હુમલાને કારણે તેમનું નિધન થયું છે. સુષમા સ્વરાજને મંગળવારે ગંભીર હાલતમાં રાત્રે 9 વાગીને 35 મિનિટે એઇમ્સમાં દાખલ કરવામાં આવ્યા હતા. સુષમા સ્વરાજના નિધન પર પીએમ મોદીથી લઈને રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે દુઃખ વ્યક્ત કર્યું છે. 42 વર્ષની પોતાની રાજકીય કારકિર્દીમાં અનેક ટર્નિંગ પોઈન્ટ આવ્યા, જેમણે સુષમાને નવી ઊંચાઈ પર પહોંચાડ્યાં હતાં. જાણીએ ટર્નિંગ પોઇન્ટ સાબિત થયેલા સુષમાના નિર્ણયો વિશે.
ફિલ્મની દુનિયાને ઉદ્યોગ જાહેર કર્યો : સુષમા સ્વરાજ અટલ બિહારી વાજપેયીની 13 દિવસની સરકારમાં સૂચના તેમજ પ્રસારણ મંત્રી રહ્યા હતા. ફરીથી વાજપેયી સરકાર ચૂંટાતા સુષમાને માહિતી અને પ્રસારણ મંત્રાલય સોંપવામાં આવ્યું હતું. આ દરમિયાન ઐતિહાસિક નિર્ણય લેતા સુષમાએ ફિલ્મની દુનિયાને ઉદ્યોગ જાહેર કર્યો હતો. જેના કારણે ફિલ્મ નિર્માતાઓને બેંકમાંથી કરજ મળી શકે.
2009માં વડાપ્રધાન પદનાં દાવેદાર મનાતા હતાં : જે બાદમાં 2000માં સુષમા સ્વરાજ રાજ્યસભામાં પહોંચ્યા હતા અને અટલ બિહારી વાજપેયી સરકારમાં ફરીથી મંત્રી બન્યાં હતાં. આ દરમિયાન બીજેપી જ નહીં પરંતુ દેશની રાજનીતિમાં પણ સુષમાનું કદ ખૂબ વધી ગયું હતું. આ જ કારણે 2009માં તેમને વડાપ્રધાન પદના ઉમેદવાર માનવામાં આવતા હતા. જોકે, આ ચૂંટણીમાં કોંગ્રેસ ફરીથી સત્તામાં આવી હતી અને સુષમા સ્વરાજ વિપક્ષ નેતા બન્યાં હતાં.
ઇન્દિરા ગાંધી બાદ બીજા મહિલા વિદેશમંત્રી બનવાનું ગૌરવ : સુષમા સ્વરાજની ગણતરી બીજેપીના દમદાર રાજનેતાઓમાં કરવામાં આવે છે. 2014માં લોકસભાની ચૂંટણીમાં તેણે વિદિશાથી જીત મેળવી હતી. તેમની કાબેલિયત અને પાર્ટીમાં યોગદાનને જોતા તેમને વિદેશ મંત્રી બનાવવામાં આવ્યા હતા. ઇન્દિરા ગાંધી પછી સુષમા સ્વરાજ એવા બીજા મહિલા નેતા હતા જેમણે વિદેશ મંત્રીનું પદ સંભાળ્યું હતું.
2018માં ચૂંટણી નહીં લડવાની જાહેરાત કરી : સુષમા સ્વરાજે નવેમ્બર 2018માં સ્વાસ્થ્યને કારણે 2019માં યોજાનાર લોકસભાની ચૂંટણી નહીં લડવાની જાહેરાત કરી હતી. જોકે, તેના પછી પણ તેઓ વિદેશ મંત્રીના પદે બની રહ્યાં હતાં. આ નિર્ણય બાદ સુષમાના પતિ અને પૂર્વ રાજ્યપાલ સ્વરાજ કૌશલે ટ્વિટ કરીને લખ્યું કે, હવે વધુ ચૂંટણી નહીં લડવાના તમારા નિર્ણય માટે આભાર. તેમણે આગળ લખ્યું હતું કે એક સમયે મિલ્ખા સિંઘે પણ દોડવાનું બંધ કરી દીધું હતું, તમે તો છેલ્લા 41 વર્ષથી ચૂંટણી લડી રહ્યાં છો.