પાકિસ્તાન સ્થિત બાલાકોટમાં આતંકવાદીઓના ઠેકાણાઓ પર ભારતની એરસ્ટ્રાઇકના 43 દિવસ બાદ બુધવારે પાકિસ્તાની સરકાર ઘટનાસ્થળે આંતરરાષ્ટ્રીય મીડિયાના સભ્યો અને વિદેશી ડિપ્લોમેટ્સને લઈને ગઈ. જમ્મુ અને કાશ્મીરના પુલવામામાં 14 ફેબ્રુઆરીએ સીઆરપીએફના 40 જવાન શહીદ થયા બાદ ભારતીય વાયુસેનાએ 26 ફેબ્રુઆરીએ આતંકવાદીઓના ઠેકાણાઓ પર હુમલો કર્યો હતો.
બીબીસીની હિન્દી વેબસાઇટ પર પ્રકાશિત એક રિપોર્ટ મુજબ, તેમના સંવાદદાતા પણ મીડિયાકર્મીઓના તે દળમાં સામેલ હતા જેમને એર સ્ટ્રાઇકવાળા સ્થળે લઈ જવામાં આવ્યા હતા. ભારતનો દાવો છે કે તેણે પાકિસ્તાનના ખૈબર પખ્તૂનખ્વાના બાલાકોટમાં આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદના ઠેકાણાઓ પર હુમલો કરી મોટી સંખ્યામાં આતકવાદી માર્યા હતા.
તેમણે જણાવ્યું કે સમગ્ર મકાન સહી સલામત છે. તેનો કેટલોક હિસ્સો ઘણો જૂનો લાગ્યો અને તેની પાસે આવેલી મસ્જિદમાં લગભગ 200 બાળકો અભ્યાસ કરી રહ્યા હતા. જ્યારે અધિકારીઓને પૂછવામાં આવ્યું કે આ ટૂરના આયોજનમાં આટલો વિલંબ કેમ થયો તો તેઓએ કહ્યું કે, અસ્થિર હાલાતમાં લોકોને અહીં સુધી લાવવા મુશ્કેલ થઈ ગયું હતું. હવે તેમને લાગે છે કે મીડિયાની ટૂરના આયોજન માટે આ યોગ્ય સમય છે.
સંવાદદાતાએ જણાવ્યું કે આ સ્થળ માણસોની વસતીથી થોડી દૂર હતું. આ વિસ્તારમાં ઘર પણ એક-બીજાથી દૂર હતા. ત્યારબાદ ટીમને તે પહાડી પર લઈ જવામાં આવ્યા જ્યાં મદરેસા સ્થિત છે. બીબીસી સંવાદદાતાએ કહ્યું કે, ભવનને જોવાથી એવું ન લાગ્યું કે આ કોઈ નવું બનાવેલું માળખું છે કે તેણે કોઈ પ્રકારનો હુમલો સહન કર્યો હોય.
તેની સાથે જ તેઓએ એ વાતથી ઇન્કાર કર્યો કે એક સમાચાર એજન્સીની ટીમ અને સ્થાનિક પત્રકારોને આ પરિસરમાં દાખલ થતાં પહેલા રોકવામાં આવ્યા હતા. ISPR DG મેજર જનરલ આસિફ ગફૂરને પૂછવામાં આવ્યું કે સંવાદદાતાઓએ મદરેસાના બોર્ડ પર મૌલાના યૂસુફ અઝહરનું નામ જોયું તો તેઓએ કોઈ સીધો જવાબ ન આપ્યો. તેઓએ એક વીડિયો પણ ટ્વિટ કર્યો છે.