શ્રીનગર: સોમવારે ઉત્તર કાશ્મીર (North Kashmir)ના કુપવાડા જિલ્લાના સધપુરા વિસ્તાર (Sadhpora area)માં એક 13 વર્ષનો પાકિસ્તાની કિશોર ભૂલથી એલઓસી (Line of Control) પાર કરીને ભારતીય સરહદમાં આવી ગયો હતો. યોગ્ય તપાસ બાદ આ બાળકને બુધવારે તીતવાલ ક્રોસિંગ પોઇન્ટ (Teetwal crossing point) ખાતે પાકિસ્તાનના અધિકારીઓને સોંપી દેવામાં આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે થોડા દિવસ પહેલા પણ આવી બનાવ બન્યો હતો. જેમાં એક નાની ઉંમરનો એક બાળક મેલા ઘેલા કપડાં પહેરેલી હાલતમાં ભારતીય સરહદમાં પહોંચી ગયો હતો. તેને પણ યોગ્ય પ્રક્રિયા બાદ પાકિસ્તાનને પરત સોંપી દેવામાં આવ્યો હતો.
રિપોર્ટ પ્રમાણે 13 વર્ષના કિશોરની ઓળખ મૌસીન તરીકે કરવામાં આવી છે. બાળકના પિતાનું નામ મંઝૂર અહમેદ છે. બાળક અમરસિંઘ ટેકરી પાક પોસ્ટ ખાતેથી સોમવારે એલઓસીની આ બાજુએ આવી ગયો હતો. સુરક્ષા જવાનોનું ધ્યાન પડતા તેણે આ બાળકની અટકાયત કરી હતી અને પૂછપરછ શરૂ કરી હતી. બાળક પાસેથી 30 પાકિસ્તાના રૂપિયા મળી આવ્યા હતા. પૂછપરછમાં બાળકે જણાવ્યું હતું કે, તે પાકિસ્તાની છે અને તેના પરિવાર પાસે પરત જવા માંગે છે.
પાકિસ્તાનનો ટેણીયો ભારતની સીમામાં પહોંચી ગયો: ગત અઠવાડિયે કાચી ઉંમરનો એક બાળક મેલાઘેલા કપડાં અને હાથમાં પાણીની બોટલ સાથે રણમાં ભટકતો ભટકતો ભારતીય સીમામાં ઘૂસી ગયો હતો. જોકે, બાળકને જોતા જ પેટ્રોલિંગ સ્ટાફે તરત તેને રોકી લીધો હતો. આ આંતરાષ્ટ્રીય સરહદ રાજસ્થાનના બાડમેરની હતી જ્યાંથી તે બાળક ઘૂસ્યો હતો. આ જ બોર્ડર પર અનેકવાર બીએસએફ દ્વારા ઘૂસણખોરીના બનાવોમાં ફાયરિંગ કરી અને ઘૂસવા માંગતા લોકોને ઠાર મારવામાં આવ્યા છે પરંતુ બાળક હોવાના કારણે પહેલાં તેની પૂછપરછ કરવામાં આવી હતી.
સેનાને જોઈને ગભરાઈ ગયેલો બાળક આઘાતમાં હતો અને રડવા લાગ્યો હતો. જોકે, BSFએ માનવીય અભિગમ રાખતા તેને પહેલાં તો ભોજન આપ્યું અને બાદમાં બ્લૂ ફ્લેગ બતાવીને પીલર પાસે પાકિસ્તાની રેંજર્સ સાથે મંત્રણા કરી હતી. આ મંત્રણામાં જાણવા મળ્યું કે બોર્ડરથી ત્રણ કિલોમીટર દૂર એક ગામ આવેલું છે ત્યાંનો રહેવાસી આ બાળક ભૂલમાં આવી ચઢ્યો છે.