

બોલિવૂડ (Bollywood) એક્ટર પ્રશાંત નારાયણન (Prashant Narayanan)ની છેતરપીંડીનાં એક કેસમાં કેરળ પોલીસે ધરપકડ કરી છે હાલમાં તે જેલમાં છે. મીડિયા રિપોર્ટ પ્રમાણે, પ્રશાંત અને તેની વાઇફ શોનાબંનેની પોલીસે ધરપકડ કરી છે. પ્રશાંત અને તેની પત્નીની ધરપકડ કરીને ટ્રાન્જિટ વોરંટ પર કેરળ લાવવામાં આવ્યાં છે. કોર્ટમાં રજૂ કર્યા બાદ તેમને 20 સપ્ટેમ્બરનાં રોજ જેલમાં મોકલવામાં આવશે.


આ કેસ મલયાલમ ફિલ્મોનાં પ્રોડ્યૂસર થોમસ પણિકરે દાખલ કરાવ્યો છે. પ્રોડ્યુસર થોમસ પણિકરની સાથે પ્રશાંતે એક ફિલ્મમાં કામ કર્યુ હતું.


કહેવાય છે કે,આ ફિલ્મ બાદ તેમની સારી મિત્રતા થઇ ગઇ હતી. પણિકરે જણાવ્યું કે, શોના તેનાં પિતાની મુંબઇ સ્થિત એક કંપનીમાં તેનાં 1.20 કરોડ રૂપિયા રોકાણ કરવાં કહ્યું હતું. જે બાદ માલૂમ થયું કે તેની સાથે છેતરપીંડી થઇ ગઇ છે. જે બાદ તેણે પોલીસ ફરિયાદ દાખલ કરી હતી. પ્રોડ્યુસર સહિત કેરળ પોલીસની 7 લોકોની ટીમ મુંબઇ પહોંચી અને ત્રણ દિવસ સુધી પ્રશાંત પર નજર રાખ્યા બાદ તેની ધરપકડ કરી લેવામાં આવી છે.


આપને જણાવી દઇએ કે, પ્રશાંત હિન્દી, મલયાલી સહિત ઘણી અલગ અલગ ભાષાની ફિલ્મોમાં કામ કરે છે. તેણે હિન્દી ફિલ્મ 'મર્ડર-2'માં વિલનનું પાત્ર અદા કર્યુ હતું તેનાંથી તેને ઘણી જ નામના મળી હતી. આ ઉપરાંત પ્રશાંત PM નરેન્દ્ર મોદીની બાયોપિક, શેડો ઓફ ટાઇમ્સ, યે સાલી જિંદગી, ભિંડી બાજાર, માંઝી- દ માઉન્ટેન મેન જેવી ઘણી પ્રખ્યાત ફિલ્મમાં કામ કરી ચુક્યો છે.