

નવિન ઝા, અમદાવાદ : શહેરના પાંજરાપોળ વિસ્તારમાં ગત અઠવાડિયે બીઆરટીએસ બસે બે સગા ભાઈઓને કચડી નાખ્યા હતા. જે બાદ સરકાર અચાનક જાગી છે. આ માટે મંગળવારે રાજ્યના ગૃહ-રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ ઉચ્ચ અધિકારીઓને સાથે રાખીને બીઆરટીએસના રૂટની સમીક્ષા કરી હતી. જેમાં અકસ્માતોને કેવી રીતે રોકી શકાય તેમજ હાલની વ્યવસ્થામાં શું ખામીએ રહેલી છે તેની સમીક્ષા કરવામાં આવી હતી.


સોમવારે ગૃહ-રાજ્ય પ્રધાને આ મામલે એક બેઠક કરી હતી, જે બાદ એક સમિતિ બનાવવામાં આવી છે. આ સમિતિ અમદાવાદ પોલીસ કમિશનર આશિષ ભાટિયાની સીધી દેખરેખ હેઠળ કામ કરશે. જે બાદ મંગળવારે ગૃહ-રાજ્ય મંત્રી પ્રદીપસિંહ જાડેજાએ અંજલિ ચાર રસ્તાથી બીઆરટીએસના રૂટની નિરીક્ષણની શરૂઆત કરી હતી. ત્યાંથી તેઓ નેહરુનગર ગયા હતા, જે બાદમાં પાંજરાપોળ ગયા હતા. ત્યાંથી વાડીનાથ ચોક ગયા હતા અને ત્યાંથી ગાંધીનગર જવા માટે રવાના થયા હતા.


ગૃહ-રાજ્ય મંત્રીએ પાંજરાપોળ ચાર રસ્તા ખાતે પણ બીઆરટીએસના રૂટનું નિરીક્ષણ કર્યું હતું. અહીં જ બે આહિર બંધુ જયેશ અને નયનને બીઆરટીએસની બસે અડફેટે લીધા હતા. બંનેનાં ઘટનાસ્થળે જ મોત થયા હતા. જે બાદ બંનેનાં અંતિમ સંસ્કાર તેમના વતન વેરાવળમાં કરવામાં આવ્યા હતા.


નિરીક્ષણની કાર્યવાહીમાં ધારાસભ્ય રાકેશ શાહ, મેયર બીજલબેન પટેલ, મ્યુનિસિપલ કમિશનર વિજય નહેરા, અમદાવાદ શહેર પોલીસ કમિશનર આશિષ ભાટિયા, ટ્રાફિકના અધિકારીઓ સહિત અન્ય લોકો હાજર રહ્યા હતા.