

સામગ્રી: 4 કપ - મિલ્ક પાઉડર, 1 કપ - મેંદો ,1 ચપટી - ખાવાનો સોડા, દહીં - જરૂર પ્રમાણે ,તેલ - જરૂર પ્રમાણે ,4 કપ - ખાંડ ,4 કપ - પાણી ,ઈલાયચી - 5 નંગ


ગુલાબજાંબુ એ ખુબ જ સ્વાદિષ્ટ મીઠાઈ છે. તે માવામાંથી બનાવી શકાય છે, પરંતુ બજારના માવામાં ક્યારેક ભેળસેળ થાય છે અથવા બગડી ગયેલ હોય છે, તો આજે શીખો મિલ્ક પાઉડરના ગુલાબજાંબુ


બનાવવાની રીત: ચાસણી બનાવવા માટે- સૌ પ્રથમ એક વાસણમાં ખાંડ અને પાણી મિક્સ કરી તેને ગેસ પર હલાવતા જઈ ગરમ કરો. ખાંડ ઓગળી જાય પછી 5-7 મિનીટ ચાસણી સહેજ ઘટ્ટ થાય એટલે ગેસ બંધ કરી તેમાં ઈલાયચી પાઉડર ઉમેરવો.


હવે એક બાઉલમાં મિલ્ક પાઉડર અને મેંદો લઈ મિક્સ કરો. તેમાં ખાવાનો સોડા ઉમેરી અને થોડું થોડું દહીં નાખતા જઈ જાંબુ વાળી શકાય તેવો નરમ લોટ બાંધી લો. પછી તેમાં 2 ચમચી તેલ નાંખી લોટને સહેજ મસળી લો. હવે આ લોટમાંથી જાંબુના માપના નાના નાના એક સરખા લુઆ પાડી, દરેક લુઆને નરમ કરી ગોળ બોલ્સ તૈયાર કરી લો. હવે તળવા માટે એક વાસણમાં તેલ કાઢી તેને ગેસ પર મીડિયમ તાપે ગરમ કરો. તેલનું તાપમાન વધી ના જાય તેનું ખાસ ધ્યાન રાખવું. હવે 5-7 જાંબુને તેલમાં નાખી તેને ધીમે હાથે હલાવતા જઈ ગોલ્ડન બ્રાઉન તળી લો. તળાઈ જાય એટલે તેને તૈયાર કરેલી ચાસણીમાં ડુબાડી લો. આ જ રીતે બધા જાંબુ તળી લઈ તેને ચાસણીમાં ઉમેરતા જવા. 30 મિનિટમાં ગુલાબજાંબુને ચાસણીમાં રાખવા જેથી જાંબુમાં ચાસણીનો સ્વાદ આવી જાય.