ગુજરાતમાં મહેસાણાનાં (Mehsana)સવાલામાં લગ્નપ્રસંગમાં હાજર રહેલા મહેમાનોને ફૂડ પોઇઝનિંગ થતા હાહાકાર મચી ગયો છે. મળતી માહિતી પ્રમાણે લગ્ન પ્રસંગમાં નોનવેજ ખાધા બાદ અસર થઇ હતી. અસરગ્રસ્તોને અલગ-અલગ હોસ્પિટલમાં ખસેડાયા છે. એક સાથે 1225 લોકો બીમાર પડતા તંત્ર દોડતું થઇ ગયું છે. જેમાંથી 12 દર્દીઓને અમદાવાદ (Ahmedabad Civil Hospital) ખસેડવામાં આવ્યાં છે. સ્થાનિક સિવિલ હોસ્પિટલમાં દાખલ દર્દીઓમાંથી 12 દર્દીઓની તબિયત બગડી હતી જે બાદ તેમને અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં છે. હાલ આ તમામ દર્દીઓની તબિયત સ્થિર છે. જ્યારે 32 દર્દીઓને ગાંધીનગરની સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે સવાલાનાં મુસ્લિમ પરિવારમાં મોડી રાત્રે જમણવાર બાદ 1225થી વધુ લોકોને રાત્રે એક વાગ્યે ઝાડા-ઉલટી થવા લાગતા તબિયત લથડી હતી. અંદાજે 200 લોકોને મહેસાણા સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.
કોંગ્રેસના નેતા વઝીરખાન પઠાણનાં દીકરા શાહરૂખ પઠાણનાં લગ્નપ્રસંગનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં લોકોએ હાજરી આપી હતી. સવાલા ગામની વસ્તીની વાત કરીએ તો ગામની વસ્તી 3000ને આસપાસ છે. જેમાંથી 1225ની હાલત બગડતા તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં હતાં જ્યારે ગામનાં તમામ લોકો ફૂડ પોઇઝનિંગની ઝપેટમાં હોવાની વાત પણ સામે આવી છે. લગ્નપ્રસંગ બાદ 1225થી વધુ લોકો માટે ભોજન સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં પ્રંસગમાં હાજર મહેમાનોની ભોજન બાદ તબીયત બગડી હતી. મોડી રાત્રે 1 વાગ્યા બાદ એક પછી એક 1225 થી વધુ લોકોને ઝાડ-ઉલ્ટી સાથે પેટમાં દુખાવો ઉપડતાં તબીયત લથડી હતી.
<br />આરોગ્ય તંત્રથી મળતી વિગતો અનુસાર , વિસનગરની નૂતન હોસ્પિટલમાં 410, સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલમાં 300, મહેસાણાની જી.એચ. હોસ્પિટલમાં 206, વિસનગર સી.એચ.સી. માં 44, ઉંઝા સબ ડિસ્ટ્રીક્ટ હોસ્પિટસમાં 5, વડનગર સરકારી હોસ્પિટલમાં 135, સી.એચ.સી. ખેરાલુમાં 7 અને મહેસાણાની હોસ્પિટલમાં 50 આમ કુલ 1057 જેટલા દર્દીઓને સધન સારવાર આપવામાં આવી હતી.
આસ-પાસના યુવાનો દ્વારા 200 મહેમાનોને મહેસાણા સિવિલ હોસ્પિટલમાં જ્યારે બાકીના મહેમાનોને વિસનગર સહિતની આસ-પાસની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યાં હતાં. જ્યાં ડોકટર તેમજ નર્સ સ્ટાફ દ્વારા દર્દીઓની સારવાર કરાઇ હતી.આ દરમિયાન આરોગ્યતંત્રની ટીમ પણ દોડી આવી હતી અને ફુડ સેફટી ઓફિસર મારફતે પ્રસંગ સ્થળેથી ભોજનના સેમ્પલ મેળવવા સુચના આપવામાં આવી હતી. જોકે ભોજનમાં કઇ વસ્તુથી તબીયત બગડી તે તપાસ બાદ જાણી શકાશે તેમ આરોગ્યતંત્રે જણાવ્યું હતું.